કભી કભી – દેવેન્દ્ર પટેલ
ઐશ્વર્યા અને ભરત બે સારાં મિત્રો હતાં પણ બેઉના વિચારોમાં ઘણો ફરક હતો
૨૪વર્ષની વયનો ભરત એ મનોહર જોશી પરિવારનો સહુથી મોટો પુત્ર હતો. તે જયપુરમાં રહેતો હતો. ભરતની એક બહેનનું નામ ડોલી. ડોલીની એક સહેલીનું નામ ઐશ્વર્યા. ઐશ્વર્યા અવાર નવાર ડોલીને મળવા આવતી હતી. એ કારણે ઐશ્વર્યાનો ડોલીના ભાઈ ભરત સાથે પણ પરિચય હતો. ઐશ્વર્યા તેને ગમવા લાગી હતી. ઐશ્વર્યામાં ગજબનું આકર્ષણ હતું. ભરત તેના તરફ આર્કિષત થતો જ ગયો. તે હવે પોસ્ટગ્રેજ્યુએશન કરતો હતો. પરંતુ તેનું મન ભણવામાં લાગતું નહોતું. આમ તો ભરતને તેના બધા જ મિત્રો સાથે ઘરોબો હતો. ક્યારેક ક્યારેક ઐશ્વર્યા પણ તેને મળતી હતી. ઐશ્વર્યા તેને ગમતી હતી, તેથી તે તેને નજીકથી જાણવા પ્રયાસ કરતો હતો પરંતુ ઐશ્વર્યા વધુ ગંભીર રહેતી હતી. તે ભણવામાં વધુ વ્યસ્ત રહેતી હતી. ગ્રેજ્યુએશન કરી લીધા બાદ તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી.
ભરત હવે ઐશ્વર્યામાં વધુને વધુ રુચિ લેવા માંડયો હતો. તે ઐશ્વર્યાની નાનામાં નાની વાતોનો ખ્યાલ રાખતો હતો. ઐશ્વર્યા પણ ભરતનો ખ્યાલ રાખતી હતી. એક દિવસ ભરતે પૂછયું: ”ઐશ્વર્યા ! તેં ભવિષ્યની બાબતમાં શું વિચાર્યું છે?”
તે બોલીઃ ”ભરત ! હું કોઈ સારું કામ કરવા માંગુ છું. મારા પોતાના પગ પર ઊભી રહેવા માંગુ છું. મારા માતા-પિતાનું નામ રોશન કરવા માંગુ છું.”
ભરતે કહ્યું: ”આ તો સારી વાત છે, તારું સ્વપ્ન પૂરું કરવામાં મારી કોઈ જરૂર હોય તો કહેજે.”
ઐશ્વર્યાએ કહ્યું : ”થેંક્સ”.
એ પછી ભરત અને ઐશ્વર્યા વચ્ચે અવારનવાર ફોન પર વાત થયા કરતી. ભરતને હવે અહેસાસ થઈ ગયો કે ઐશ્વર્યા હવે માત્ર એની મિત્ર જ નહીં પણ તેનો પ્રેમ પણ છે. તે ઐશ્વર્યાને પ્રેમ કરવા લાગ્યો હતો. આ તરફ ઐશ્વર્યા એરહોસ્ટેસ બનવાની તૈયારી કરવા લાગી હતી, છતાં વચ્ચે વચ્ચે ભરતને મળવાનો સમય કાઢી લેતી હતી. બંનેની દોસ્તી પ્યાર તરફ આગળ વધવા લાગી હતી. ભરતના ઘરમાં પણ બધાને ખ્યાલ આવી ગયો કે ભરત અને ઐશ્વર્યા વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે. બંને પરિવારો અતિ શિક્ષિત હોઈ તેમને એ સંબંધો પર કોઈ એતરાજ નહોતો. ભરતનું પરિવાર આર્થિક રીતે વધુ સંપન્ન હતું. જ્યારે ઐશ્વર્યા મધ્યમવર્ગના પરિવારની પુત્રી હતી. ભરતની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવતી. જ્યારે ઐશ્વર્યા સ્વયં કરકસરથી રહેતી હતી. ભરત ધનવાન પિતાનો પુત્ર હોવાથી જીદ્દી હતો જ્યારે ઐશ્વર્યા અત્યંત સ્વરૂપવાન હોવા છતાં સાદગીથી જીવતી હતી. કેટલીકવાર બેઉ કલાકો સુધી વાતો કરતા. એ દરમિયાન ઐશ્વર્યા ભરતને સમજવા કોશિશ કરતી હતી. અલબત્ત, તે પોતાના ભવિષ્ય અંગે ગંભીર હતી.
આ તરફ ઐશ્વર્યા માત્ર ભરતને જ નહીં પરંતુ તેના આખા ઘરને ગમતી હતી. એક તો તે અત્યંત સુંદર હતી અને બીજું તે એકદમ ગંભીર હતી. આવી રૂપાળી છોકરી ઘરમાં વહુ બનીને આવે તો એક શ્રીમંત ઘરની શોભા વધી જાય તેમ ભરતના ઘરવાળા માનતા હતા. ઘરમાં બધાએ ભરતની લગ્નની ઈચ્છા વિશે પૂછયું તો એણે ઐશ્વર્યાનું નામ આપ્યું. ભરતનાં માતા-પિતા એ બેઉના સંબંધો જાણતાં જ હતા. તેઓ રાજી થઈ ગયા. પરિવારે નક્કી કર્યું કે ”હવે શુભ કાર્યમાં વિલંબ કરવો જોઈએ નહીં. કાલે જ ભરતની મમ્મીએ ભરત અને ઐશ્વર્યાની સગાઈની વાત કરવા જવી” એમ નક્કી થયું. હવે ભરતે જ ઐશ્વર્યાને ફોન કરી કહ્યું :”ઐશ્વર્યા! તું અત્યારે જ મારા ઘેર આવી જા. એક ખુશખબર આપવા માંગું છું.”
ઐશ્વર્યાએ કહ્યું: ”ભરત ! હું અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. આજે નહીં આવી શકું. અઠવાડિયા પછી મળીશું.”
”થોડીવાર માટે પણ નહીં આવી શકે ?”
”ના ભરત. હું વાંચી રહી છું. લક્ષ્યની પ્રાપ્તિ માટે એક એક મિનિટ કિંમતી છે.”
ભરતને ઐશ્વર્યાની આ વાત ગમી નહીં. એણે ફટાક દઈ ફોન મૂકી દીધો. એને લાગ્યું કે, સગાઈ પછી બધું બરાબર થઈ જશે. બીજા દિવસે તેની મમ્મી વિવાહની વાત કરવા જવાની હતી પરંતુ મુલાકાત નક્કી કરવા માટે ભરતની મમ્મીએ ફોન કર્યો ત્યારે ઐશ્વર્યાની મમ્મીએ નમ્રતાથી કહ્યું: ”બહેન! અત્યારે ઐશ્વર્યા પરીક્ષાની તૈયારી કરી રહી છે. એક વાર તેની પરીક્ષા પતી જવા દો.”
”ઠીક છે. પરીક્ષા પછી વાત કરીશું.” ભરતની માતાએ એ વાત સમજદારીપૂર્વક સ્વિકારી લીધી. બીજા જ દિવસે ભરત ઐશ્વર્યાને મળવા તેના ઘેર ગયો પરંતુ ખબર પડી કે ઐશ્વર્યા પરીક્ષા આપવા દિલ્હી જતી રહી છે. તે પરીક્ષા આપવા જવાની છે એ વાત ઐશ્વર્યાએ તેને કહી ના હોઈ ભરતને ગુસ્સો આવ્યો. ઐશ્વર્યાને તે લડવા માંગતો હતો પણ તેનો મોબાઈલ બંધ હતો. ભરત હવે તનાવમાં રહેવા લાગ્યો. તેને લાગ્યું કે, તે જેટલો ઐશ્વર્યાની નજીક જાય છે એટલી જ તે દૂર જઈ રહી છે. ઐશ્વર્યા દિલ્હીથી ક્યારે પાછી આવી તે વાતની જાણ પણ તેણે ભરતને ના કરી. એ પરીક્ષામાં પાસ થઈ ગઈ એ વાતની જાણ પણ તેણે ભરતને ના કરી. એે વાતની ખબર એને બીજા દોસ્તો મારફતે પડી. આમ છતાં ઐશ્વર્યાને અભિનંદન આપવા તે એના ઘરે ગયો પરંતુ તેના આવવાથી ઐશ્વર્યાના ચહેરા પર કોઈ ખુશી ના જોઈ. આમ છતાં એણે કહ્યું: ”ઐશ્વર્યા, હવે તો એરહોસ્ટેસની તાલીમ માટે તારી પસંદગી થઈ ગઈ છે. હવે આપણી સગાઈ થઈ જવી જોઈએ.”
ઐશ્વર્યાએ કહ્યું: ”હમણાં સગાઈની ઉતાવળ શું છે ? મારા જીવનનું લક્ષ્ય લગ્ન નહીં, પણ કારકિર્દી છે. હજુ તો મારી પસંદગી થઈ છે, તાલીમ બાકી છે, તાલીમ બાદ મને ખબર નથી કે હું ક્યાં હોઈશ ? હમણાં હું લગ્નના બંધનમાં પડવા માંગતી નથી.”
”પણ તારે એરહોસ્ટેસની નોકરી કરવાની શું જરૂર છે? મારા પિતા પાસે કાફી જાયદાદ છે.”
”જો ભરત! હું લગ્ન કરીને એશ આરામ કરવા માંગતી નથી. હું રોજ નવાં વસ્ત્રો પહેરીને પાર્ટીઓમાં જવા માંગતી નથી. હું બાળકો પેદા કરનારી ફેકટરી બનવા માંગતી નથી. જે માતા-પિતાએ મને જન્મ આપ્યો છે, મને ભણાવી છે અને મારો ઉછેર કર્યો છે તેમના પ્રત્યે પણ મારે કેટલીક જવાબદારી નિભાવવાની છે. હું કોઈની પુત્રવધૂ તરીકે નહીં પણ કોઈની પુત્રી તરીકે ઓળખાવા માંગુ છું. હું લગ્ન કરીશ પણ અત્યારે નહીં, અત્યારે મને મારી કારકિર્દી બનાવવી છે અને મારા માતા-પિતા પ્રત્યેનું ઋણ અદા કરવું છે.”
”પણ તું મારી સાથે લગ્ન કરીને પણ એ ફરજ નિભાવી શકે છે. ઐશ્વર્યા?” ભરતે કહ્યું.
ઐશ્વર્યાએ મક્કમતાથી કહ્યું: ”ભરત! હવે મારે તને સાચી વાત કહેવી જ પડશે. જો સાંભળ ! તારા અને મારા વિચારોમાં ફરક છે. તું સારો મિત્ર બની શકે છે. સારો જીવનસાથી નહીં. તું પિતાના પૈસા પર જીવવા માંગે છે. તું તારી કારકિર્દી માટે કદીયે ગંભીર નહોતો, અને આજે પણ નથી. પિતાની સંપત્તિનો તો ક્યારેય પણ અંત આવી જતો હોય છે, પણ જેની પાસે જ્ઞાાન છે, કેળવણી છે, તાલીમ છે તે જ લાંબુ ચાલે છે, તારે મારી સાથે લગ્નનો ખ્યાલ હવે છોડી દેવો જોઈએ.”
ઐશ્વર્યાનો આ જવાબ સાંભળી ભરત સ્તબ્ધ થઈ ગયો. છ વર્ષના પ્રેમ સંબંધનો એક ઝાટકે ઐશ્વર્યા અંત લાવી દેશે એની તેને કલ્પના પણ નહોતી. હવે ઐશ્વર્યાના ઘેર વધુ રોકાવું તેને ઠીક ના લાગ્યું. તે સીધો જ ઘેર આવ્યો. એની મમ્મીને લાગ્યું કે કાંઈક ગરબડ થઈ ગઈ છે. મમ્મીએ પૂછયું : ”શું થયું, બેટા ?”
”એમાં પરેશાન થવાની જરૂર શું છે ? આપણે બીજી છોકરી શોધી કાઢીશું”: ભરતની મમ્મીએ કહ્યું!
ભરત કાંઈ જ બોલ્યા વગર પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. એને લાગ્યું કે, ઐશ્વર્યા અત્યાર સુધી મારી ભાવનાઓ સાથે જ ખેલતી રહી. જરૂર એના જીવનમાં બીજો કોઈ યુવાન આવ્યો હશે. એ જાતજાતના વિચારો કરતો રહ્યો. તે બીજા દિવસે તે મિત્રોને મળ્યો. મિત્રોએ પણ તેને સમજાવ્યો કે ”તને તો કેટલીયે છોકરીઓ લગ્ન માટે મળી જશે. આખો દિવસ ભણભણ કરતી પંતુજી જેવી છોકરી સાથે લગ્ન કરીને તું શું સુખી થવાનો? જે થયું તે સારું થયું. ભૂલી જા ઐશ્વર્યાને.” પરંતુ ભરત પોતાના મનને ના મનાવી શક્યો. એ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો. બહુ જલ્દીથી નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની ગયો. તે એકલો જ બેસી રહેવા લાગ્યો. કોઈની યે સાથે વાત કરવાનું એણે બંધ કરી દીધું. હવે તો ઐશ્વર્યાના ફોન આવતા પણ બંધ થઈ ગયા હતા. તે માનસિક રીતે પરેશાન થવા લાગ્યો. તેને વાતાવરણ બદલવા જયપુરથી તેના મામાના ઘરે દિલ્હી મોકલવામાં આવ્યો. એક દિવસે એણે તેની ભાભીને ફોન કર્યોઃ ”ભાભી! હવે હું જીવવા માંગતો નથી. મમ્મી- પપ્પાનો ખ્યાલ રાખજો.”
અને તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ એણે પોતાની ફેસબુક પર લખ્યું: ”ઐશ્વર્યાને ભૂલવી મારા માટે મુશ્કેલ છે. ૨૪ કલાકમાં હું મારી જીવનલીલા સમાપ્ત કરી રહ્યો છું.”
એ પછી એ રાત્રે તેના મિત્ર નીરજને ફોન કરી પોતાની ફેસબુક ખોલવા વિનંતી કરી. નીરજે ભરતની ફેસબુક ખોલી. તેના હોશ ઊડી ગયા. નીરજે ભરતની મમ્મીને ફોન કરી કહ્યું: ”આન્ટી ! ભરત ૨૪ કલાકમાં આત્મહત્યા કરવાનો છે ?”
ઘરમાં પણ બધાએ ભરતની ફેસબુક ખોલી. બધાં સ્તબ્ધ થઈ ગયા. તેમણે દિલ્હી ફોન કર્યો તો ખબર પડી કે ભરત દિલ્હી છોડી ચુક્યો હતો. પરોઢિયે તે જયપુર આવ્યો અને ઘરના પગથિયાંમાં જ બેસી ગયો. તેના હાથમાં તમંચો હતો. ઘરના બધા જ સભ્યોએ તેને રોકવા કોશિશ કરી. બધાં જ સભ્યો રડવા લાગ્યા. કેટલાંકે તેની પાસે જવા કોશિશ કરી પરંતુ ભરતે તમંચાનું ટ્રીગર દબાવી દીધું. ગોળી તેના લમણાની આરપાર નીકળી ગઈ. થોડી જ વારમાં લોહીના ખાબોચીયામાં તે ઢળી પડયો. પોલીસ આવી પહોંચી,પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. પોલીસે સ્વેચ્છાએ આત્મહત્યાનો કેસ નોંધી ફાઈલ બંધ કરી દીધી. લાગણીઓ અને કારકિર્દી વચ્ચેનો સંઘર્ષ કદીક આવા દુઃખદ પરિણામો પણ લાવી શકે છે.



What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "