૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણીના આડે કેટલાક મહિનાઓ હોવા છતાં દેશ અને ખાસ કરીને દેશની રાજકીય પાર્ટીઓ ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની ભીતર વિરોધ છતાં નરેન્દ્ર મોદીને ભાજપ-એનડીએના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કરી દેવાતાં ભાજપમાં યુગાંતર થઈ ગયું. ભાજપમાં અટલ-અડવાણી યુગનો હવે અસ્ત થઈ ગયો છે. ગુજરાતમાં જીતની હેટ્રીક બાદ નરેન્દ્ર મોદી હવે ભાજપના કદાવર અને રાષ્ટ્રીય નેતા બની ચૂક્યા છે.
નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુત્વના ચહેરા સાથે રાષ્ટ્રવાદ અને વિકાસનું બ્લેન્ડ કરી એક નવી જ શખ્સીયત તરીકે લોકો સમક્ષ જઈ રહ્યા છે. સંઘનું તેમને સમર્થન છે. દેશનાં કોર્પોરેટ ગૃહોનું તેમને સમર્થન છે. યુવાનોનું તેમને સમર્થન છે. મહિલાઓમાં તેમનું આકર્ષણ છે. વાઇબ્રન્ટ ગુજરાત અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ તેમની મૂડી છે. વક્તૃત્વ કળા તેમનું કૌશલ્ય છે. વ્યક્તિત્વ તેમનો કરિશ્મા છે. મેનીપ્યુલેશન તેમની આવડત છે.
આ બધું હોવા છતાં મોદી સામે અનેક પડકારો છે. ભાજપને સત્તા પર લાવવામાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. રાજનૈતિક માન્યતા છે કે દિલ્હી જવાનો રસ્તો વાયા ઉત્તર પ્રદેશ થઈને જાય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની હાલત સારી નથી. આંકડા પર નજર નાખીએ તો ૧૯૯૧માં રામમંદિર આંદોલન ઊંચાઈ પર રહેવાથી એ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ૨૨૧ બેઠકો મળી હતી. એટલે કે ભાજપને ૩૧.૪૫ ટકા મત મળ્યા હતા. એ જ વર્ષે લોકસભાની થયેલી ચૂંટણીમાં આ મતની ટકાવારી વધીને ૩૨.૨૮ ટકા થઈ ગઈ હતી અને કુલ ૮૫માંથી બાવન બેઠકો ભાજપને મળી હતી. ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં મતની ટકાવારી અને બેઠકો બેઉ વધ્યા હતા. લોકસભામાં બાવન બેઠકો મળી અને મતની ટકાવારી ૩૩.૪૪ થઈ ગઈ હતી. ૧૯૯૮માં ભાજપને આ રાજ્યમાંથી લોકસભાની ૮૫માંથી ૫૭ બેઠકો મળી હતી. મતની ટકાવારી ૩૬.૪૯ ટકા થઈ ગઈ હતી. એ જ સમયે અટલ બિહારી વાજપેયીની ૧૩ મહિનાની સરકાર બની ગઈ હતી, પરંતુ ૧૯૯૯માં લોકસભાની બેઠકો ઘટીને ૨૯ થઈ ગઈ. મતની ટકાવારી ઘટીને ૨૭.૬૯ ટકા થઈ ગઈ. લોકસભાની ૨૦૦૪ની અને ૨૦૦૯ની ચૂંટણીઓમાં પાર્ટીને ૮૦માંથી ૧૦-૧૦ બેઠકો જ મળી. મતની ટકાવારી ક્રમશઃ ૨૨.૧૭ અને ૧૭.૫૪ ટકા જ થઈ ગઈ. ૨૦૦૦ની સાલમાં ઉત્તરાખંડ બનતા ઉત્તર પ્રદેશની કુલ ૮૫ બેઠકોમાંથી ૮૦ થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપની હાલત સહુથી વધુ કમજોર થઈ ગઈ છે. ૨૦૧૨માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૪૭ સભ્યો જ ચૂંટાયા ૧૯૯૧માં ભાજપના ૨૨૧ ધારાસભ્યો ચૂંટાયા હતા તેથી ૨૦૧૨માં સાવ ઊલટું થઈ ગયું. ૨૦૧૨માં ભાજપને ઉત્તર પ્રદેશમાં માત્ર ૧૫ ટકા મત જ મળ્યા. ૧૯૯૯ બાદ કલ્યાણસિંહનો વિરોધ પણ પક્ષે સહન કરવો પડયો. જેના કારણે ભાજપને નુકસાન થયું. આ પરિપ્રેક્ષ્યમાં મોદી સમક્ષ હવે મોટો પડકાર એ છે કે પક્ષને તેમણે ૧૯૯૮ની સ્થિતિમાં કેવી રીતે લાવવો. ૧૯૯૮માં ભાજપને યુપીમાં ૩૬.૪૯ ટકા મત મળ્યા હતા. જે ૨૦૧૨માં માત્ર ૧૫ ટકા જ થઈ ગયા છે. ટૂંકમાં મોદીએ મતની ટકાવારીને બે ગણી અને બેઠકોની સંખ્યા પાંચ ગણી કરવી પડશે. આ એક પહાડ જેવો પડકાર છે.
દેશના દક્ષિણનાં રાજ્યોમાં ભાજપની પરિસ્થિતિ સારી નથી. આંધ્રપ્રદેશ, કેરળ, ઓરિસ્સા, તામિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોમાં લોકસભાની બધી મળીને કુલ ૧૮૫ બેઠકો છે. આ રાજ્યોમાં ભાજપની હાજરી નામમાત્રની છે. આ સંજોગોમાં ભાજપે બાકીની ૩૬૦ બેઠકોમાંથી જ ઉભરીને આવવું પડશે. જે રાજ્યોમાં પાર્ટીની પરિસ્થિતિ મજબૂત માનવામાં આવે છે, તેમાંથી લગભગ ૪૦ ટકા બેઠકો તો માત્ર ઉત્તર પ્રદેશમાં જ છે. તેથી મોદીએ દિલ્હીની સત્તા કબજે કરવી હશે તો ઉત્તર પ્રદેશમાં જ જબરદસ્ત વિજય હાંસલ કરવો પડશે. અલબત્ત, ઉત્તર પ્રદેશમાં મોદી માટે પડકારો અને સંભાવનાઓ બંને છે. નિષ્ણાતો માને છે કે પ્રયત્ન કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં ભાજપ સારો દેખાવ કરી શકે તેમ છે. ૧૯૮૯માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૫૮ બેઠકો મળી હતી, પરંતુ તેનાં બે જ વર્ષ પછી એટલે કે ૧૯૯૧માં એ બેઠકો વધીને ૨૨૧ થઈ ગઈ હતી. ૨૦૦૭માં વિધાનસભાની ચૂંટણીમાં મુલાયમ-અખિલેશની સમાજવાદી પાર્ટીને ૮૭ બેઠકો મળી હતી જ્યારે ૨૦૧૨માં તેમના જ પક્ષને ૨૨૪ બેઠકો મળી. ટૂંકમાં ઉત્તર પ્રદેશમાં બે વર્ષના ટૂંકા ગાળામાં ઘણો ઉછાળ આવતો હોય છે. એ ઉછાળ કેવી રીતે લાવવો તે મોદીની વ્યૂહરચના પર નિર્ભર છે. ૧૯૯૮માં ભાજપના સર્વોચ્ચ નેતા અટલ બિહારી વાજપેયી લખનૌ અને અમદાવાદ- એમ મતવિસ્તારોમાંથી ચૂંટણી લડયા હતા. ઉત્તર પ્રદેશના પણ કેટલાક નેતાઓ ઇચ્છે છે કે મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડે છે પરંતુ સાથે સાથે ઉત્તર પ્રદેશમાંથી પણ ચૂંટણી લડવી જોઈએ. એમ કરવાથી ઉત્તર પ્રદેશના કાર્યકરોનું મનોબળ વધારી શકાશે.
ઉત્તર પ્રદેશની રાજનીતિ જટિલ છે. હાલ સમાજવાદી પાર્ટીનું શાસન છે, પરંતુ તેની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયેલો છે. યુપીમાં અખિલેશ યાદવની સરકાર એક નિષ્ફળ સરકાર ગણાય છે. એમાંયે તાજેતરમાં થયેલાં કોમી રમખાણોને કારણે સરકારની આબરૂ ખતમ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ પર રેતીના માફિયાઓ અને નેતાઓની સાંઠગાંઠ છે. નેતાઓ જ્ઞાતિવાદ અને પછાત વર્ગોની વોટબેન્ક પર ચૂંટણી જીતે છે. એ જ રીતે મુસ્લિમ મતો પણ નિર્ણાયક રહે છે. તાજેતરનાં કોમી રમખાણો ઉત્તર પ્રદેશમાં મતોનું ધ્રુવીકરણ કરાવી શકે છે. અલબત્ત, મુસ્લિમ મતો જો સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસમાં વહેંચાય તો ભાજપને ફાયદો થાય, પરંતુ ઉત્તરપ્રદેશના મુસલમાનોને હવે સમાજવાદી પાર્ટી કે માયાવતીની પાર્ટી પર બહુ ભરોસો નથી. આ મતો કોંગ્રેસમાં જઈ શકે છે. એક સમાચાર એવા પણ છે કે પછાત અને દલીત મતો પર પ્રભુત્વ ધરાવતાં માયાવતી અને કોંગ્રેસ વચ્ચે કોઈ રાજકીય ખીચડી પકવવામાં આવી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે માયાવતીની તારીફ કરતાં કહ્યું હતું કે હાલની અખિલેશની સરકાર કરતાં માયાવતીની સરકાર બહેતર હતી. લાગે છે કે દિગ્વિજયસિંહ માયાવતીને ચૂંટણી જોડાણ માટે ફિલર્સ મોકલી રહ્યા છે.
ભાજપ – એનડીએની સરકાર આવે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે નિશ્ચિત છે. આ વાતનો તેમને ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ. ફાયદો એટલા માટે કે મોદીના નામનો મત લેવામાં ઉપયોગ થઈ શકે છે. નુકસાન એટલા માટે કે બીજા ઘટક પક્ષોના ઘણાં નેતાઓ ખુદ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષાના ભોગે મોદીને ટેકો નહીં આપે. દા.ત. મુલાયમસિંહ, માયાવતી, મમતા બેનરજી, શરદ પવાર, જયલલિતા પણ વડાપ્રધાન પદનાં ઉમેદવાર છે. કોંગ્રેસે વડાપ્રધાનપદ માટે અત્યારથી કોઈનુંયે નામ નહીં જાહેર કર્યું હોવાથી એણે બીજા પક્ષોના નેતાઓની મહત્ત્વાકાંક્ષા સંતોષવા એ વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. તેથી કોંગ્રેસ – યુપીએ પાસે આંકડા નહીં હોય તો મોદીને રોકવા તેઓ અન્ય કોઈને પણ ટેકો આપી દઈ શકે છે. તેથી યુપીએ પાસે ચૂંટણી પૂર્વેનાં જોડાણો માટે વધુ વિકલ્પ ખુલ્લા છે જ્યારે ભાજપે ભાવિ વડાપ્રધાન પદ માટે મોદીને જાહેર કરી દેતાં ચૂંટણી પૂર્વેના અને ચૂંટણી પછીના વિકલ્પો બંધ થઈ ગયા છે.
ડાબેરીઓને લાગેવળગે છે ત્યાં સુધી તેઓ ભાજપના કટ્ટરવાદથી દૂર રહેશે. શરદ પવાર અત્યારે ભલે કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે,પરંતુ તેઓ પણ કોંગ્રેસ પાસે પૂરતી બહુમતી ન આવે તો કોંગ્રેસના ટેકાથી અથવા બીજા કેટલાકના ટેકાથી ખુદ વડાપ્રધાન બની જવાની પોસ્ટ પોલ પોલિટિકલ ગેઇમ ખેલી રહ્યા છે. તેઓ અત્યારે કોંગ્રેસ સાથેનું જોડાણ તોડી નાખવા માગતા નથી, પરંતુ ૨૦૧૪ની ચૂંટણીઓ પછીના જોડાણ માટે નવા સાથીઓ શોધી રહ્યા છે. લાગે છે કે શરદ પવારના નેતૃત્વ હેઠળના નવા મોરચામાં એ પક્ષો હશે જે હાલ નથી તો એનડીએના સાથી કે નથી તો યુપીએના સાથી કે નથી ત્રીજા મોરચાના સાથી. શરદ પવારની નજર સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, એઆઈડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, જનતાદળ (યુ) અને બીજુ જનતાદળ પર છે. જોકે, પવાર એ વાત પણ જાણે છે કે આ છ પાર્ટીઓ પૈકી ચાર પક્ષોના નેતાઓ સ્વયં વડાપ્રધાનપદના ઉમેદવાર છે, જેમાં મુલાયમસિંહ, માયાવતી, જયલલિતા અને નીતીશકુમારનો સમાવેશ થાય છે. આમ છતાં સત્તાની આ શતરંજમાં પોતે જીત મેળવી શકશે તેવી પવારને આશા છે. આ કારણથી તેઓ કોંગ્રેસ સહિત બીજા પક્ષો સાથે સુમધુર સંબંધો રાખે છે.
ટૂંકમાં નરેન્દ્ર મોદી સામે બીજા અનેક પડકારો હશે. ગુજરાતની ચૂંટણી જીતવી એક વાત છે. અનેક ભાષાઓ અને અનેક સંસ્કૃતિઓ ધરાવતા અન્ય પ્રદેશોમાં પણ ગુજરાત જેવાં પરિણામો લાવવાં તે મોદી માટે મોટો પડકાર હશે.



What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "