Devendra Patel

Journalist and Author

Month: October 2013 (Page 2 of 2)

બાપુ! ‘હેપી બર્થ ડે’કહેવા માટે આવી છું

પૂજ્ય બાપુ,

હું આ દેશની એક નાનકડી દિકરી છું. મારે આવતી કાલે સ્કૂલમાં આપના વિષે બોલવાનું છે તેથી હું આપની સાથે થોડી વાતો કરવા આવી છું. આ દેશના લોકો આપને ભૂલી ગયા છે, પણ હું આપને ઓળખું છું. આપણા દેશને આઝાદ કરાવવા આપે ઘણો સંઘર્ષ વેઠેલો છે. આપે લાઠીઓ ખાધી છે, ઉપવાસ કર્યા છે, જેલમાં ગયા છો,સત્યાગ્રહ કર્યો છે. દાંડી માર્ચ કરી છે, પણ હવે એ બધું ભુલાઇ ગયું છે. લોકો આપને પણ ભૂલી ગયા છે. હમણાં ઉત્તરપ્રદેશની એક સ્કૂલમાં કોઇએ પૂછયું: ‘મહાત્મા ગાંધી કોણ હતા?’ તો કેટલાંક બાળકોએ જવાબ આપ્યોઃ ‘ઇન્દિરા ગાંધીના પિતા.’ કોઇએ જવાબ આપ્યો : ‘ભારતના વડાપ્રધાન’ કોઇએ જવાબ આપ્યો : ‘રાષ્ટ્રપતિ’

બાપુ! 'હેપી બર્થ ડે'કહેવા માટે આવી છું

બાપુ, હું તો બહુ નાની છું. મારા દાદાજીએ આપના વિશે ઘણી વાતો કરેલી છે. મને ખબર છે કે આપ રેંટિયો ચલાવતા હતા. જાતે જ વણેલું કાપડ પહેરતા હતા. હવે આપણા દેશના નેતાઓને રેંટિયો ચલાવતા આવડતું નથી. નેતાઓ લીનનના વસ્ત્રો પહેરે છે. ૨૦ હજારના ડિઝાઇનર શૂઝ અને બ્રાન્ડેડ ચશ્મા પહેરે છે. હાથમાં ૪૦ હજારનો સ્માર્ટ ફોન રાખે છે. ખાલી ભાષણ કરવા જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.

બાપુ, હું હમણાં ટીવી પર સમાચાર જોતી હતી. મને ખબર છે કે, કલકત્તામાં રમખાણો થયા હતા ત્યારે આપે રમખાણો બંધ કરાવવા આમરણાંત ઉપવાસ કર્યા હતા. આજે નેતાઓ મત લેવા રમખાણો કરાવે છે. આપ કહેતા હતા કે, આ દેશના હિન્દુઓ અને મુસલમાનો મારી બે આંખો છે. આજે નેતાઓ આપની એ બંને આંખોને એક બીજા સામે લડાવે છે. અમારા જેવા નાનાં-નાનાં બાળકોને ક્યાંક જીવતાં સળગાવી દેવામાં આવે છે. બાપુ! સત્તા કબજે કરવા હિન્દુઓ અને મુસલમાનોનો એક સાધન તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. હવે તો આપના ઉપવાસ જેવા સાચા ઉપવાસ કરનારું પણ કોઇ રહ્યું નથી. કોઇક ક્યાંક ઉપવાસનું નાટક કરે છે પણ તે ટીવીવાળા આવે એટલે ઉપવાસ પર બેઠાનો તમાશો કરે છે અને ટીવીવાળા જતા રહે એટલે પારણાં કરી લે છે.

બાપુ ! હમણાં હમણાં નેતાઓનાં ભાષણો ટી.વી. પર બહુ આવે છે. ચૂંટણીને વાર છે, પણ નેતાઓ કાલે જ ચૂંટણી હોય એવા જોરદાર પ્રવચનો કરે છે, પણ મંચ પર આપનો ફોટો કેમ ક્યાંય દેખાતો નથી ?

બાપુ! હમણાં હમણાં કેટલાક સાધુ-સંતોએ પણ તેમના નામની પાછળ ‘બાપુ’ શબ્દ લગાડવાની શરૂઆત કરી છે, પણ એ લોકો સારા માણસો નથી. ‘બાપુ’ શબ્દને લાંછન લગાડે તેવાં કામો તેઓ કરે છે. નાનકડી દીકરીઓને તેઓ હેરાન કરે છે. મને કહેતાં પણ શરમ આવે તેવાં કામો તેઓ કરે છે. આપ એમને કેમ કાંઇ કહેતા નથી?

બાપુ, કેટલાક સાધુ-સંતો ગુરુકુલ ચલાવે છે. તેમાં મારા જેવા નાનકડા બાળકોને મારી નાંખવામાં આવે છે. બાપુ, પોલીસ એમને પકડતી નથી તેનું શું કારણ? મારા દાદાજી કહેતા હતા કે અંગ્રેજોના જમાનામાં તાંત્રિક વિધિ કરનારાઓને પોલીસ પકડીને જેલમાં પૂરી દેતી હતી. આજે પોલીસ બાળકો મરતાં હોય તો મરવા દે છે. અને બાપુ! મેં તો સાંભળ્યું છે કે આજકાલ પોલીસવાળા જ જેલમાં છે.

એમ કેમ?

અંગ્રેજોના જમાનામાં તો સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં પૂરવામાં આવતા હતા. આજે તો પોલીસવાળાઓને જેલમાં પૂરવા પડે છે. એમ કેમ? બાપુ, મેં ક્યાંક વાંચ્યુ હતું કે ભારતને આઝાદી આપવાનો વિરોધ કરતાં બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ર્ચિચલે તેમના દેશની પાર્લામેન્ટમાં કહ્યું હતું કે, ભારતને આઝાદી આપવી એનો અર્થ એ હશે કે, ભારત ચોર અને પીંઢારાઓને સોંપી દેવું.’ – મને તો ર્ચિચલની વાત સાચી લાગે છે. હું પોતે જ બીતી બીતી અહીં આવી છું. મારી બાજુમાં રહેતી મારા જેવડી નાનીકડી છોકરી ગૂમ થઇ ગયાને બે વર્ષ થયાં પણ પોલીસ એને શોધી શકી નથી. બાપુ, આ દેશમાંથી દર વર્ષે મારાં જેવા એક લાખ બાળકો ગૂમ થઇ જાય છે. એમને ઊઠાવી જનારા પકડાતા નથી. મોટા શહેરોમાં મહિલાઓના દોરા ખેંચી લેવામાં આવે છે. રોજ બેંકોની બહાર લૂંટ થાય છે. ધોળે દહાડે ઘરફોડ ચોરીઓ થાય છે. ભગવાનની મૂર્તિઓ પણ ચોરાય છે. રેપ થાય છે, પરંતુ પોલીસ કશું કરતી નથી. આ દેશમાં ખાલી નેતાઓ જ સલામત છે, પ્રજા નહીં. બાપુ! આ ઝેડ-પ્લસ સલામતી શું છે? શું આપના સમયમાં આવી કોઇ વ્યવસ્થા હતી? અમારા સર કહેતા હતા કે, ઝેડ પ્લસ કેટેગરીમાં એક નેતા પસાર થતા હોય ત્યાં તેમની મોટરકારની આસપાસ નવ નવ ગાડીઓ હોય છે. પાછળ એમ્બ્યુલન્સ પણ હોય છે. નેતાઓ ખુદ પોલીસના ઘેરામાં રહે છે. આ રાજકારણીઓ કોનાથી ડરે છે, બાપુ? લોકોની વચ્ચે લોકો જેવા થઇને જ કેમ રહેતા નથી? લોકોની વચ્ચે લોકોની જેમ જ કેમ ફરતા નથી? એમણે એવાં તો શું કામ કર્યાં છે કે પોતાના દેશના લોકોથી ડરવું પડે? શું આપણા નેતાઓ ડરપોક થઇ ગયા છે?

અને બાપુ! બીજુ કહું? હમણાં હમણાં નેતાઓ પાંચ-પાંચ માણસો ઊંચકે એટલા મોટા હાર પહેરે છે. આપ તો સુતરની આંટી સિવાય કશું સ્વીકારતા જ નહોતા. અને હવે તો કોઇ રૂપિયાના હાર પહેરે છે તો કોઇ ૨૦ કિલો ફૂલોના હાર પહેરે છે. આપ એમને કેમ કાંઇ કહેતા નથી? આવું તો આ દેશના રાજાઓ પણ કરતા નહોતા. આ નવા રાજાઓ ક્યાંથી પેદા થયા? અને હા, બાપુ! આ રાજાઓની વાત કરતાં કરતાં મને સરદાર સાહેબ પણ યાદ આવી ગયા. જે સરદાર સાહેબે દેશને એક કર્યો હતો તે દેશમાં રોજ એક નવું રાજ્ય જન્મે છે. સરદાર સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ.૨૬૬ હતું. આજે આ દેશના કેટલાક નેતાઓનું બેંક બેલેન્સ કરોડોમાં છે. સ્વિસ બેંકોમાં તેમના ખાતાં છે. કરોડોની જમીનોના તેઓ માલિકો છે. બાપુ! આપ રાષ્ટ્રપિતા બન્યા પછી ગુજરાતમાં કોઇ જમીનો ખરીદી હતી? આપના નામે જે ‘ગાંધીનગર’ છે તે નગરની જમીનો આપે તો ખરીદેલી નથીને? બાપુ! આપનું સ્વિસ બેંકમાં કોઇ ખાતું ખરું? આપના કોઇ ચાર્ટર્ડ વિમાનો ખરાં? આપના કોઇ ભાઇ, ભત્રીજા, પુત્ર, જમાઇ કે પત્નીના નામે કોઇ મિલકત ખરી? જે હોય તેમને સાચુ કહેજો. મારે કાલે સ્કૂલમાં આપના વિશે બોલવાનું છે.

અને હા, બાપુ! બાનાં ખબર પૂછવાનું તો હું ભૂલી જ ગઇ. ક્સ્તુરબા શું કરે છે? આપની બકરી કેમ છે? સરદાર સાહેબ દેશનાં છાપાં વાંચે છે ખરા? એમને કહેજો, ના વાંચે. નાહક આઝાદી પછીના નેતાઓ પર તેઓ ગુસ્સે થઇ જશે. નહેરૂ ચાચા શું કરે છે? મને ખબર છે તેમને બાળકો બહુ ગમતા હતાં. હવે તેમની કફની પર ગુલાબ પરોવે છે, ખરા? બીજી વખત આવીશ ત્યારે હું એમના માટે ગુલાબ લેતી આવીશ. બાપુ! હવે હું ઘેર જાઉં છું. મેં બહુ વાતો કરી. અહીં આવીને મેં જ બોલ બોલ કર્યું. આપ તો કાંઈ બોલ્યા જ નહીં. આપના મૌન પરથી લાગે છે કે, આપ દુઃખી છો. બીજી વખત હું આવું તો મને એક પ્રશ્નનો જવાબ જરૂર આપજો. મારો પ્રશ્ન એ છે કે, આપ હિન્દુ હતા છતાં એક હિન્દુએ જ આપને ગોળી કેમ મારી? આપે એનું શું બગાડયું હતું? આપના જેવા એક મહાત્માને ત્રણ-ત્રણ ગોળીઓ કેમ મારી? ચાલો, બાપુ એ વાતને યાદ કરીશ તો મને રડવું આવી જશે. હું જાઉં છું. મમ્મી મારી ચિંતા કરતી હશે.

કાલે આપનો જન્મ દિવસ છે તેથી આપને મળવા આવી હતી. હેપી બર્થ ડે, બાપુ!

બાપુ, આપના નામે જે ગાંધીનગર છે ત્યાં આપની કોઇ જમીનો કે મિલકત ખરી?

એક મધરાતે શકુન્તલાના ઓરડાનું બારણું ખટખટયું

એસ્ત્રીનું નામ શકુન્તલા.

હજુ તો તેની વય ૨૮ વર્ષની જ હતી. તે પરણેલી હોવા છતાં ગોરખપુર જિલ્લાના શાહપુર ગામમાં એક રૂમ ભાડે લઈને રહેતી હતી. તે બે સંતાનોની માતા હતી. તેનો પતિ મુન્નાલાલ મુંબઈમાં રહેતો હતો. મુન્નાલાલ પણ ગોરખપુર જિલ્લાનો વતની હતો. પરંતુ ટૂંકી જમીનના કારણે પેટિયું રળવા મુંબઈ ગયો હતો. તેનું લગ્ન નજીકના જ એક ગામની અને એમની જ જ્ઞાતિની શકુન્તલા નામની યુવતી સાથે કરવામાં આવ્યું હતું.

એક મધરાતે શકુન્તલાના ઓરડાનું બારણું ખટખટયું

  • શકુન્તલાની સાડી ઉર પરથી સરકી ગઈ અને કૃષ્ણમોહન તેને જ જોઈ રહ્યો !

શરૂઆતમાં તો મુન્નાલાલ તેની યુવાન પત્ની શકુન્તલાને ગામમાં રહેવા દઈ મુંબઈ ગયો હતો. અલબત્ત શકુન્તલાને ખબર પડી ગઈ હતી કે તેનો પતિ શરાબી છે. તેમ છતાં તેનું લગ્ન સામાજિક રીતે થયેલું હોઈ તે સમાજના નિયમો અને વ્યવહાર પ્રમાણે પતિ ઘેર આવતો ત્યારે તેની સાથે જ રહી સમય ગુજારતી. કાળાંતરે તે બે બાળકોની માતા પણ બની. બાળકોના જન્મને કારણે તે ખુશ હતી પરંતુ દારૂડિયા પતિના કારણે બાળકોના ભાવિ અંગે તે ચિંતિત હતી. પતિ તો પરદેશ હતો. તે બાળકોને ભણાવવાના પૈસા પણ મોકલતો ન હતો. બધા જ પૈસા શરાબ પાછળ ઉડાવી દેતો હતો. વર્ષમાં બે વાર તેનો પતિ રજાઓ લઈને ઘેર આવતો. પતિને શરાબ છોડી દેવા શકુન્તલા ઝઘડા કરવા લાગે તો મુન્નાલાલ તેને ફટકારતો.

એક દિવસ શકુન્તલા તેના બાળકોને લઈ જતી રહી અને દૂરના એક ગામમાં ભાડાનો કમરો લઈ રહેવા લાગી. એનો મકસદ હતો કે, બાળકો સારા વાતાવરણમાં રહીને ભણે શકુન્તલાના આ નિર્ણયની બાબતમાં સાસરિવાળા કે પિયરિયાંઓએ કોઈ વાંધો ના લીધો. હવે શાહપુરમાં રહેવા લાગી. અલબત્ત, હવે આર્થિક સંકટ સામે આવ્યું. તેણે આસપાસનાં સુખી ઘરોના વાસણે માંજવાથી માંડીને ઘરકામ કરવાનું સ્વીકારી લીધું પણે એને બાળકો ભણાવવાની તાલાવેલી હતી. બાળકોને સરકારી સ્કૂલમાં દાખલ કરી દીધા પણે હજુ તે બાળકોને તેજસ્વી બનાવવા માગતી હતી.

શકુન્તલા જે ઓરડામાં ભાડેથી રહેતી હતી તેની બાજુમાં જ કૃષ્ણમોહન કનોજિયા નામનો યુવક રહેતો હતો. તે એમએસ.સી. થયેલો હતો અને તે પણે પોતાના ગામથી દૂર અહીં શાહપુરમાં રહી બાળકોનું ટયૂશન કરતો હતો. શકુન્તલાએ કૃષ્ણમોહનને કહ્યું :”નમસ્તે સર ! શું તમે મારાં બાળકોને ભણાવશો?”

કૃષ્ણમોહને હા પાડી. ફી પણે નક્કી થઈ ગઈ. કૃષ્ણમોહનની ઉંમર ૨૬ વર્ષની હતી. કૃષ્ણમોહન બાજુની જ ઓરડીમાં રહેતો હોઈ એક દિવસ શકુન્તલા કોઈ વાત કરવા કૃષ્ણમોહનના ઓરડીમાં ગઈ. શકુન્તલા હજુ યુવાન હતી. તેનો મીઠો સ્વર સાંભળી કૃષ્ણમોહન મોહિત થઈ ગયો. કેટલીયે વાર સુધી તે શકુન્તલાને અપલક નજરે નિહાળતો જ રહ્યો. શકુન્તલાની સાડી તેના ઉર પરથી સહેજ સરકી ગઈ હતી. શરમાઈને તેણે સાડી સરખી કરી લીધી. ભાવનાની ભાષા શબ્દોથી પર હોય છે. બેઉ વચ્ચે કોઈ જ વાત ના થઈ છતાં બેઉ એકબીજા પ્રત્યે આર્કિષત થયા.

શકુન્તલા જાણેતી હતી કે, ભારતીય સંસ્કૃતિમાં વિહાહીતા સ્ત્રીએ બીજા પુરુષની બાબતમાં વિચારવું તે પણે પાપ છે, પરંતુ પતિનું સાનિધ્ય ના હોય અને એકલતા સતાવતી હોય ત્યારે બધાં જ બંધનો અને મર્યાદાઓ તૂટી જાય છે. શકુન્તલા અને કૃષ્ણમોહનની બાબતમાં પણે એમ જ બન્યું. બંને એકબીજામાં ડૂબી ગયા. રસ્તાઓ ખૂલી ગયા. કૃષ્ણમોહન શકુન્તલાને અને તેનાં સંતાનોને પણે અપનાવવા તૈયાર થઈ ગયો.

આખાયે મહોલ્લાને પણે હવે શકુન્તલા અને કૃષ્ણમોહનના સંબંધની ખબર હતી. બાળકો હજુ નાનાં હતાં. હવે કૃષ્ણમોહન પણે શકુન્તલા તેના ઓરડામાં જે રસોઈ બનાવે તે ખાઈ લેતા. રાત્રે બાળકો સૂઈ જાય એટલે શકુન્તલા બાજુના કમરામાં રહેતા કૃષ્ણમોહન પાસે જતી રહેતી. વહેલી પરોઢે તે તેના રૂમમાં પાછી આવી જતી. આવું રોજ ચાલતું. એક દિવસ શકુન્તલાએ કૃષ્ણમોહનને કહ્યું: ”હું પ્રેગ્નન્ટ છું.”

કૃષ્ણમોહને કહ્યું: ”તારી ઈચ્છા શું છે?”
”મારે તારું બાળક જોઈએ છે.”

”તો હું એ બાળકને પણે સ્વીકારી લઈશઃ” કૃષ્ણમોહને કહ્યું.

શકુન્તલાએ હિંમતપૂર્વક બાળકને રાખવા નિર્ણય કર્યો.

એક દિવસ શકુન્તલાનો પતિ મુંબઈથી શાહપુર આવી ગયો, પરંતુ શકુન્તલા હવે બદલાયેલી બદલાયેલી લાગતી હતી. પતિનું સ્વાગત કર્યું અને એ રાત્રે એને જેટલો દારૂ પીવો હોય તેટલો પીવા દીધો. અગાઉની જેમ કોઈ ઝઘડો ના કર્યો. પતિ શરાબના નશામાં મદહોશ થઈ સૂઈ ગયો. એ રાત્રે શકુન્તલા કૃષ્ણમોહન પાસે ના ગઈ. અલબત્ત, બીજા દિવસે કેટલાક ગામ લોકોએ મુન્નાલાલને શકુન્તલા અને કૃષ્ણમોહનના સંબંધની બાબતમાં વાત કરી. મુન્નાલાલ શરાબી હતો. પણે બડો ચતુર હતો. એણે શકુન્તલા પર નજર રાખવા નિર્ણય કર્યો. એ ચૂપચાપ બે દિવસ રહી પાછો મુંબઈ જતો રહ્યો.

લગભગ એક મહિનો વિતી ગયો.

શકુન્તલા અને કૃષ્ણમોહન ફરી પ્રેમના પ્રવાહમાં વહેતા રહ્યાં. શકુન્તલાના ઉદરમાં હવે કૃષ્ણમોહનનો અંશ હતો. તેઓ પતિ-પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતાં. હવે તો કૃષ્ણમોહન પણે શકુન્તલાના જ ઓરડામાં સૂઈ જતો. બાળકોએ પણે કૃષ્ણમોહનને પિતાની જેમ સ્વીકારી લીધા હતા.

એક રાત્રે શકુન્તલાના ઘરનું બારણું ખટખટયું. શકુન્તલાએ જોયું તો રાતના બે વાગ્યા હતા. તેને થયું કે અત્યારે કોણે હશે? એણે બત્તી કરી. બારણું ખોલ્યું. બારણામાં તેનો પતિ મુન્નાલાલ ઊભેલો હતો. શકુન્તલા સ્તબ્ધ થઈ ગઈ. આજે મુન્નાલાલ સ્વસ્થ હતો. તેણે શરાબ પીધેલો નહોતો. વળી ઓરડામાં કરેલી ભોંય પથારીમાં કૃષ્ણમોહન પણે સૂતેલો હતો. ખુદ શકુન્તલા પણે ઉપવસ્ત્રોમાં જ હતી. તે ગભરાઈ ગઈ. રાત્રે બે વાગે મુન્નાલાલ આવી જશે એની તેને કોઈ કલ્પના પણે નહોતી. મુન્નાલાલ અંદર પ્રવેશ્યો. કૃષ્ણમોહન પણે જાગી ગયો. મુન્નાલાલે મોં પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું. બારણું અંદરથી બંધ કરી દીધું. મુન્નાલાલે શકુન્તલાને કહ્યું: ”ડરવાની જરૂર નથી, આવું જ હતું તો મને કહેવું હતું ને!”

શકુન્તલા ડરતાં ડરતાં બોલીઃ ”આવું હું તમને કઈ રીતે કહું ?”

મુન્નાલાલ બોલ્યોઃ ”જો શકુન્તલા! તારે અને કૃષ્ણમોહને સાથે રહેવું હોય તો ખુશીથી રહો પણે મારી જમીનમાં તું કોઈ દાવો નહીં કરે એવું તારે ગામ આવી લખી આપવું પડશે. હું જીપ લઈને આવ્યો છું. તું અને કૃષ્ણમોહન મારી સાથે ચાલો. કાલે બધાંની હાજરીમાં લખાણે કરી આપવું પડશે.

શકુન્તલાએ કૃષ્ણમોહનની સામે જોયું. કૃષ્ણમોહને હા પાડવા મોં હલાવ્યું. રાત્રે બાળકોને ઉઠાડયા અને બધાં જીપમાં ગોઠવાઈ ગયા. છેક સવારે બધા મુન્નાલાલના ગામ પહોંચ્યાં. ગામ પહોંચતા જ લોકોને ભેગા કરવામાં આવ્યા. મુન્નાલાલે હવે રૌદ્ર સ્વરૂપ ધારણે કર્યું. તે છેતરીને બંનેને પોતાના ગામમાં લઈ આવ્યો હતો. કૃષ્ણમોહન અને શકુન્તલાને ખૂબ માર મારવામાં આવ્યો. તે પછી બંનેને એક જ રૂમમાં પૂરી દીધા. બાળકો ચિચિયારીઓ પાડતાં રહ્યાં.

બીજા દિવસે મુન્નાલાલે ગામની પંચાયત બોલાવી. પત્નીના કૃષ્ણમોહન સાથેના આડાસંબંધો અંગે તેણે ન્યાય માંગ્યો. પંચાયતે કહ્યું કે, ”શકુન્તલાનો ગુનો માફ કરવાને લાયક નથી. તેણે પરપુરુષ સાથે સંબંધ બાંધીને સ્ત્રી જાતને કલંક્તિ કરી છે. બંનેના માથાના વાળ કાપી નાંખો. બંનેના ગળામાં જૂતાંનો હાર પહેરાવો. બંનેને ગામમાં ફેરવો અને તે પછી તેમને મારી નાંખો.”

ફરી તેમને એક ઓરડામાં પૂરી દેવાયા. બીજા દિવસે ઓરડામાંથી બહાર કાઢયા. બંનેને જાહેરમાં માર મારવામાં આવ્યો. શકુન્તલા અને કૃષ્ણમોહનના માથા મૂંડાવી નાંખવામાં આવ્યાં. બંનેના ગળામાં જૂતાં- ચંપલોનો હાર પહેરાવવામાં આવ્યો. તે પછી બંનેને ગામમાં ફેરવવાનું શરૂ કર્યું. તેમની પાછળ લોકોનું ટોળું હસી મજાક કરતું ચાલતું રહ્યું. ગામમાં ફેરવી લીધા બાદ તેમની હત્યા કરી દેવા કોઈ અજાણ્યા સ્થળે લઈ જવાનું આયોજન હતું. પરંતુ અચાનક જ પોલીસની જીપ આવી પહોંચી. ગામના કોઈ જાગૃત નાગરિકે ગોરખપુર પોલીસને આ બનાવની જાણે કરી દીધી હતી. પોલીસ ટુકડી એસ.પી. સમરબહાદુરસિંહના નેતૃત્વમાં આવી હતી. પોલીસને જોઈ ગામમાં નાસભાગ મચી ગઈ. શકુન્તલા અને કૃષ્ણમોહનને મારી નાંખવામાં આવે તે પહેલાં તેમને ગામ લોકોના હાથમાંથી મુક્ત કરાવવામાં આવ્યાં. પોલીસે ૧૭ લોકોની ધરપકડ કરી, બધાને ગોરખપુર પોલીસ સ્ટેશને લઈ જવાયા. શકુન્તલા અને કૃષ્ણમોહનને પણે પોલીસ સ્ટેશને લઈ જવાયાં અને તેમની વિરુદ્ધ હજુ કોઈ ફરિયાદ ના હોઈ તેમનો જવાબ લઈ તેમને જવા દેવામાં આવ્યા. શકુન્તલાના પતિ મુન્નાલાલ અને તેમની જ્ઞાતિની પંચાયતના આગેવાનોને ગિરફતાર કરવામાં આવ્યા.

સામાજિક રૂપે અપમાન અને અવમાનના સહન કર્યા બાદ પણે શકુન્તલા અને કૃષ્ણમોહને સાથે સાથે જ જીવવાનો ફેંસલો કર્યો છે. તેઓ હજુ ફફડી રહ્યાં છે. તેઓ પોતાની જાન બચાવવાં બાળકો સાથે કોઈ અજાણી જગ્યાએ ચાલ્યાં ગયાં છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén