મારા અને જયદેવ વચ્ચેના સંબંધોની ખબર મારા સ્કૂલના આખાયે સ્ટાફને હતી
એ પોતાની કથા કાંઈક આ પ્રમાણે કહે છેઃ ”સખત ગરમીના દિવસો હતા. સ્કૂલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. હવે વેકેશન શરૂ થવામાં થોડા જ દિવસોની વાર હતી. મારી સાથે જ સ્કૂલમાં ટિચરની જોબ કરતા જયદેવ સાથે મારા એફેરની સહુ કોઈને ખબર હતી. મારા અને જયદેવના સંબંધોની ચર્ચા પણ હતી. પરંતુ મને એનો કોઈ ડર નહોતો કારણ કે હું અને જયદેવ પરણવાના ના હતા. જયદેવ દૂરના એક ગામનો ખેડૂત પુત્ર હતો. એના માતા-પિતા અને મોટાભાઈએ ખૂબ દુઃખ વેઠીને એને ભણાવ્યો હતો. જયદેવ મને ગમતો હતો. કારણ કે ખૂબ જ નમ્ર અને વિવેકી હતો. એના માતા-પિતાની સામાન્ય પરિસ્થિતિ એ કદી છુપાવતો નહોતો.
વેકેશન પડતાં જ એ એના ગામ ગયો. જતાં પહેલાં તે મને શાંતિથી મળ્યો હતો. માતા-પિતાની મંજૂરી લઈ ટૂંકમાં જ સાદગીથી લગ્ન કરી લેવા માટે અમે બેઉ સંમત હતાં. સ્કૂલમાં મારી સાથે કામ કરતા તમામ સ્ટાફને આ વાતની ખબર હતી. મારા જીવનની બધી જ વાતો હું મારી સાથે જ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી આસ્થાને જણાવતી હતી.
પરંતુ અચાનક મને ખબર પડી કે જયદેવ તો ઉનાળાની રજાઓ દરમિયાન ગામડે લગ્ન કરીને પાછો આવ્યો છે. આ વાત આગની જેમ સ્કૂલમાં ફેલાઈ ગઈ. મને પણ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે હું પણ અવાક રહી ગઈ. મારા માટે સ્કૂલમાં જવા પગ ઉપાડવો પણ મુશ્કેલ બની ગયો. સ્ટાફમાં ગુસપુસ શરૂ થઈ ગઈ હોવાનું મને આસ્થાએ જણાવ્યું. મને ખબર હતી કે આખોયે સ્ટાફ મારા ચહેરાના હાવભાવ જોવા આતુર હતો.
આ પ્રશ્નની ભીતર એક કટાક્ષ હતો. હું જાણે કે અંદરથી સળગી રહી હતી. મેં સંયમ જાળવવા કોશિશ કરી. સ્ટાફની નજરોથી બચવા હું સીધી જ મારા કલાસરૂમ તરફ જતી રહી. ત્યાં જ લોબીમાં મને જયદેવ દેખાયો. મારો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. થોડીવાર માટે તો થયું કે બધાંની સામે જ એને તમાચો ફટકારી દઉં. પણ આસ્થા મારી પાછળ જ હતી. એણે આ નાજુક ક્ષણને પામી જતાં મને કહ્યું: ”ભૈરવી, વિદ્યાર્થીઓ તમારી રાહ જુએ છે.”
હું ઝેરનો ઘુંટડો ગળી ગઈ. અને જયદેવ તરફ નફરતથી નજર ફેંકી મારા કલાસરૂમમાં ચાલી ગઈ.
સ્કૂલ છુટયા બાદ મારી સખી આસ્થાએ મને કહ્યું: ”હું નથી જાણતી કે હું તને જે કહેવા માગું છું તેની શું પ્રતિક્રિયા આપીશ. પરંતુ જયદેવે મારી મારફત તને કહેરાવ્યું છે કે એ તને મળવા માંગે છે.”
આસ્થાએ શાંતિથી કહ્યું: જો ભૈરવી ! જયદેવે તારી સાથે જે કર્યું છે તે માટે મારા મનમાં તારાથી જરાયે ઓછો આક્રોશ નથી. પરંતુ મને લાગે છે કે તારે એક વાર તો એને મળી લેવું જ જોઈએ.”
ખૂબ સમજાવ્યા બાદ હું તૈયાર થઈ. હાઈવે પરની રેસ્ટોરામાં સાંજે સાત વાગે મળવાનું નક્કી થયું. મારા મનમાં જયદેવ માટે નફરત સિવાય કાંઈ બચ્યું નહોતું. રેસ્ટોરામાં મળી એ ગમે તેટલું રડે કે મને સમજાવે હું તેને માફ કરવા તૈયાર નહોતી. અત્યંત ક્રોધ સાથે હું હાઈવે પરની રેસ્ટોરાંમાં પહોંચી. જયદેવ પહેલેથી જ આવીને એક ટેબલ પાસેની ખુરશીમાં બેઠેલો હતો. હું ચૂપચાપ તેની સામે જઈને બેસી ગઈ. તેની નજર ઝુકેલી હતી. મારું શરીર ગુસ્સાથી કાંપી રહ્યું હતું. હું કાંઈ બોલું તે પહેલાં જયદેવે એક કવરમાંથી તસવીરો કાઢી ટેબલ પર મૂકી.
મેં જોયંુ તો તેમાંની એક તસવીર જયદેવના મોટાભાઈની હતી. તેના ભાઈની તસવીર પર ફૂલોની માળા દેખાતી હતી. મેં પૂછયું:”આ તો તમારા મોટાભાઈ છે. શું થયું તેમને ?”
જયદેવે શરૂ કર્યુઃ ” રજાઓમાં હું ઘેર પહોંચ્યો તેના બીજા જ દિવસે મોટાભાઈને ખેતરમાં સાપ કરડયો અને મૃત્યુ પામ્યા. અમારા ઘર પર આભ તૂટી પડયું. મારા-પિતાને સંભાળવા મુશ્કેલ બની ગયું. મારા હાથે જ ભાઈને અગ્નિદાહ દીધો. પૂરા અગિયાર દિવસ શોક ચાલ્યો. હું ઘેર જઈને આપણા લગ્ન માટેની વાત કરવાનો હતો ત્યાં જ પિતાજીએ એક વાત કરી જે સાંભળીને હું સ્તબ્ધ બની ગયો. મારા પિતાજીએ મને કહ્યું કે ભાઈ, તને ભણાવવા, કોલેજની અને હોસ્ટેલની ફી ભરવા બાજુના જ ગામના એક આગેવાન પાસેથી અમે કર્જ લીધેલું છે. પરંતુ એ કર્ર્જ આપતાં પહેલાં આગેવાને એવી શરત કરી હતી કે તેમની દીકરી સાથે મોટાભાઈ લગ્ન કરે. દીકરી શ્યામ અને જરાયે રૂપાળી નથી. ભણેલી પણ નહોતી. મોટાભાઈ પણ ભણેલા નહોતા. તેથી મેં એ શરત મંજૂર રાખી હતી.. પણ ભાઈનું મૃત્યુ થતાં ૧૨માં દિવસે જ આગેવાને કહ્યું કે, તમારો એક છોકરો મરી ગયો પણ બીજો તો છે ને?” એને કહો કે તે મારી છોકરી સાથે લગ્ન કરે અથવા મારી રકમ વ્યાજ સાથે ચૂકવી દો.
મારી પાસે એટલા પૈસા નહોતા. માતા-પિતાએ કહ્યું કે હવે તું લગ્ન નહીં કરે તો અમારે આપઘાત કરવો પડશે.”
અને મેં મારું જીવન માતા-પિતા માટે દાવ પર લગાવી દીધું. પિતાની આબરુ અને તેમનું જીવન બચાવવા મેં નિર્ણય કર્યો. એમણે અને મારા મોટાભાઈએ જે કર્ર્જ લીધું હતું તે બધું જ મને ભણાવવા માટે લીધું હતું. પિતા પાસે તો માત્ર દોઢ વીઘું જમીન હતી. અને મેં કઠોર નિર્ણય કરી બાજુના ગામના આગેવાન કે ત્યાંના સરપંચ પણ છે તેમની દીકરી રમા સાથે ખૂબ સાદગીથી લગ્ન કરી લીધું.”
જયદેવ બોલતો જ રહ્યોઃ ”ભૈરવી, હું ખોટું નહીં બોલું. જે વખતે રમા જેવી કદરૂપી છોકરી સાથે મેં લગ્ન કરવા નિર્ણય કર્યો ત્યારે તું મને જરાયે યાદ આવી નહોતી. એ વખતે મને મારા માતા-પિતા અને મારા ભાઈનો મારા માટેનો ત્યાગ જ નજર સમક્ષ હતો. મને ભણાવવા માટે મારો ભાઈ એક અસુંદર છોકરીને પરણવા તૈયાર થયા હતા. તેમનું આવું મૃત્યુ થયું ના હોત તો તેમણે જ રમા સાથે લગ્ન કરી લીધું હોત. ખરેખર તો મારા ભાઈએ મને ભણાવવા એમની જિંદગી દાવ પર લગાવી દીધી.”
અને તે બોલ્યોઃ ”ભૈરવી, હું જો રમા સાથે લગ્ન ના કરત તો રમાના પિતા મારું ઘર અને જમીન પણ લઈ લેત. મારા માતા-પિતા ઘર વિહોણા બની જાત. તેથી ખૂબ સમજી વિચારીને મેં આ લગ્ન કર્યું છે. તું એને જે સમજવું હોય તે સમજી શકે છે. મેં કોઈની સાથે દગો કર્યો છે કે મારી આ માતા-પિતા પ્રત્યેની ફરજ નિભાવી છે તે તું નક્કી કરી લે. હું તારો ગુનેગાર છું એ વાત હું કબૂલ કરું છું. મેં તને ખૂબ દુઃખ આપ્યું છે, ભૈરવી પરંતુ સંબંધો લગ્નમાં પરિણમે તેને જ પ્રેમ કહેવાય એમ હું નથી માનતો. તારી સમજ શક્તિ પર મને ભરોસો છે. એક બીજાને સમજવું તેનું નામ જ પ્રેમ છે. બસ આટલું કહેવા મેં તને આજે અહી બોલાવી હતી.”
અને હું જયદેવની આંખોમાં જોઈ રહી. એમાં નિખાલસતા હતી, સચ્ચાઈ હતી, મજબૂરી હતી, દર્દ હતું. મને લાગ્યું કે હું અહીં આવી ત્યારે અલગ હતી. અત્યારે સાવ અલગ જ હતી. મારા ભીતરમાં એક જબરદસ્ત પરિવર્તન આવતું જણાયું. જયદેવ માટે મને જે માન હતું તેમાં હજારો ગણો વધારો થતો હોય તેમ લાગ્યું. મેં કહ્યું: ”જયદેવ ! સારું થયું કે હું તમને મળવા આવી. નહીંતર આખી જિંદગી હું તમને નફરત કરતી હોત. તમને સાંભળ્યા બાદ મને તમારા માટેનો આદર અને શ્રદ્ધા વધી ગયાં છે. હું હંમેશાં એવી વ્યક્તિનો આદર કરું છું જે પોતાના સ્વાર્થથી ઉપર ઊઠીને પોતાના માતા-પિતા માટે કાંઈક કરે છે. મને તો થાય છે કે મેં એક સારું વિચારવાળી વ્યક્તિને પ્રેમ કર્યો હતો. આ વાતનું મને અભિમાન છે. હવે એક કામ કરો, જયદેવ. રમાને ગામડેથી અહીં લઈ આવો. એ રૂપાળી નથી એમાં એ બિચારીનો શું વાક ? રમાને ભણાવવાની જવાબદારી હું લઉં છું. પ્રેમનું એક આ પણ સ્વરૂપ છે, એમ નથી લાગતું તમને ?” અને અંધારું થવા આવ્યું હતું.
હવે થોડા જ દિવસ પછી જયદેવ રમાને લઈ આવશે અને હું પણ મારી જવાબદારી પૂરી કરીશ. આવતીકાલથી મેં મારી જિંદગીની એક નવી જ શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હું હવે રમાના આવવાનો ઈન્તજાર કરું છું.”
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "