ગરીબીની વ્યાખ્યા નક્કી કરી રહેલા એ નેતાઓ ખરેખર કેટલા અમીર ને સ્વચ્છ?
દેશના નેતાઓ ભારતની ગરીબીની વ્યાખ્યા નક્કી કરી રહ્યા છે કે ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે તે સમજાતું નથી. એક નેતા કહે છે કે, ૧૪ રૂપિયામાં પેટ ભરી શકાય છે. બીજો નેતા કહે છે કે, પાંચ રૂપિયામાં ભોજન મળે છે. ત્રીજો નેતા કહે છે કે, એક રૂપિયામાં પણ પેટ ભરાય તેટલું ખાવાનું મળે છે. લાગે છે કે, આ દેશના રાજકારણીઓ એટલા બધા અમીર થઈ ગયા છે કે, તેમના પગ હવે ધરતી પર જ નથી અને વાસ્તવિકતાની પણ ખબર નથી. એક રૂપિયામાં ભોજન તો શું, પણ પીવાના પાણીની બોટલ પણ મળતી નથી. ભિખારી પણ એક રૂપિયાને સ્વીકારતો નથી. ખરી વાત એ છે કે, દેશના નેતાઓ હવે ફાઈવસ્ટાર કલ્ચરમાં રહેતા હોઈ તેઓ ગરીબીની વ્યાખ્યા, સમજ અને ગરીબોનું દર્દ જ ભૂલી ગયા છે.
દેશનું લોકતંત્ર કેવા લોકોના હાથમાં સરકી રહ્યું છે તે આંકડાકીય ભાષામાં જાણવા જેવું છે, ચોંકાવનારું પણ છે. ૨૦૦૪ની ચૂંટણીઓ દરમિયાન લોકસભામાં અને દેશનાં વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ચૂંટણી લડતાં ઉમેદવારોએ જે એફિડેવિટ્સ રજૂ કરી હતી તેના આધારે થયેલા એક સર્વેક્ષણમાં જણાયું છે કે, ગુનાઈત ભૂતકાળ ધરાવતા વધુ ને વધુ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એન્ડ નેશનલ ઇલેક્શન વોચે કરેલા અભ્યાસ દરમિયાન જણાયું છે કે, સ્વચ્છ ભૂતકાળ ધરાવતા માત્ર ૧૨ ટકા ઉમેદવારો જ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે ગંભીર ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ૨૩ ટકા લોકો આ ચૂંટણીમાં વિજયી બન્યા હતા. એવી જ રીતે બીજી નોંધપાત્ર ફળશ્રુતિ એ છે કે, ૨૦૦૪ની એ ચૂંટણીમાં કુલ ૬૨,૮૪૭ ઉમેદવારો ઊભા હતા. તેમની મિલકતની સરેરાશ કિંમત રૂ. ૧.૩૭ કરોડ હતી. તે પૈકી જીતેલા ઉમેદવારોની મિલકતોની સરેરાશ વેલ્યૂ રૂ. ૩.૮૩ કરોડ હતી. ક્રિમિનલ આક્ષેપોવાળા કેસો ધરાવતા ઉમેદવારોની સંપત્તિની સરેરાશ વેલ્યૂ રૂ. ૪.૩૦ કરોડ હતી. ખૂન, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંપત્તિની સરેરાશ વેલ્યૂ રૂ. ૪.૩૮ કરોડ હતી. બધા જ ઉમેદવારો પૈકી ૧૮ ટકા ઉમેદવારો સામે કોઈ ને કોઈ પ્રકારના ક્રિમિનલ કેસો ચાલતા હતા. આઠ ટકા ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસો હતા.
દેશના નેતાઓ લોકસભામાં જવા માટે ચૂંટણી દરમિયાન એક મતક્ષેત્ર દીઠ રૂ. પાંચથી દસ કરોડનો ખર્ચ કરીને ચૂંટણી લડતો હોય તેને સ્વાભાવિક રીતે જ ગરીબીની સમજ ના હોય. લોકસભામાં ચૂંટાઈને જતા સાંસદો કેટલા વિશેષાધિકારો અને ફાયદા પ્રાપ્ત કરે છે તે જાણવા જેવું છે. તાજેતરમાં જ એક એક્ટિવિસ્ટે આરટીઆઈ હેઠળ એક સાંસદને શું શું લાભ મળે છે તેની માહિતી માગી હતી. તેમાં આવતા નાણાકીય વર્ષ દરમિયાન તેને વિમાની, રેલવે પ્રવાસ, ટેલિફોનની સુવિધા, પાણી અને વીજળીની કેટલી સુવિધા મળે છે તેની વિસ્તૃત માહિતી તેણે હાંસલ કરી હતી.
આ માહિતીના આધારે એક સાંસદને વર્ષ દરમિયાન કઈ કઈ સુવિધાઓ મફતમાં પ્રાપ્ત થાય છે તે જાણવા જેવું છે. એક સાંસદ એક વર્ષ દરમિયાન ૩૪ વખત કોઈપણ એક સહાયક વ્યક્તિ સાથે વિમાની મુસાફરી કરી શકે છે. ધારો કે એક વર્ષમાં ૩૪ વાર વિમાની મુસાફરી ના થઈ હોય તો તેનું બેલેન્સ બીજા વર્ષમાં વાપરી શકાય છે. એ જ રીતે સાંસદને આખા દેશમાં રેલવેમાં ફર્સ્ટ ક્લાસ એ.સી. કે એક્ઝિક્યુટિવ ક્લાસમાં ફરવાનો પાસ મળે છે.
દરેક સાંસદને ત્રણ ટેલિફોન જોડાણો મળે છે. એક દિલ્હીમાં નિવાસસ્થાન માટે, એક ઓફિસ માટે અને એક પોતાના વતનમાં- એમ ત્રણ ટેલિફોન જોડાણો મળે છે. દરેક ટેલિફોન પર ૫૦ હજાર ફ્રી કોલ કરી શકે છે. જો એક વર્ષમાં એટલા ફ્રી કોલ્સ વાપરી ના શકાય તો તેનું બેલેન્સ બીજા વર્ષમાં ઉપયોગમાં લઈ શકાય છે. એ જ રીતે કોઈ એક વર્ષમાં નક્કી થયેલા ફ્રી કોલ્સ કરતાં વધુ વપરાય તો બીજા વર્ષના ક્વોટામાં તે એડજસ્ટ કરી શકાય છે. એ રીતે મોબાઈલ ફોનની પણ સુવિધા મળે છે.
દિલ્હીમાં રહેતા પ્રત્યેક સાંસદને પ્રતિવર્ષ ૪૦,૦૦૦ કે.એલ. પાણી વાપરવાની છૂટ છે. તેનો કોઈ ચાર્જ નથી. જે કોઈ સાંસદ ચૂંટાઈને દિલ્હી જાય તેને સરકાર તરફથી નિવાસસ્થાન મળે છે. તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને પ્રતિવર્ષ ૫૦,૦૦૦ યુનિટ વીજળી મફતમાં વાપરી શકે છે. આટલી વીજળી વર્ષમાં વપરાઈ ના હોય તો તેને બીજા વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકાય છે અને નિયત યુનિટ કરતાં વધુ વીજળી વપરાઈ હોય તો બીજા વર્ષના ક્વોટામાં તેને પણ એડજસ્ટ કરી શકાય છે. દરેક એમ.પી.ને જે ઘર દિલ્હીમાં મળે છે તેના સોફાનું કવર અને કર્ટેન પણ સરકારના ખર્ચે દર ત્રણ મહિને ધોઈ આપવામાં આવે છે. ડયૂરેબલ ફર્નિચર પેટે રૂ. ૬૦,૦૦૦ અને નોન ડયૂરેબલ ફર્નિચર પેટે રૂ. ૧૫,૦૦૦ સરકાર આપે છે.
દિલ્હીની આસપાસ ૩૦૦ કિલોમીટરની રેન્જમાં રહેતા સાંસદોને પ્રતિ કિલોમીટર રૂ. ૧૬ કાર એલાઉન્સ મળે છે. દરેક એમ.પી.ને પ્રતિ માસ રૂ. ૧૫૦૦નું ખર્ચ ઇન્ટરનેટ માટે મળે છે. સંસદમાં હાજરી આપનાર સાંસદને રોજના રૂ. ૨૦૦૦નું એલાઉન્સ મળે છે. એ જ રીતે રૂ. ૪૫,૦૦૦ મતક્ષેત્ર એલાઉન્સ મળે છે. દરેક સાંસદને તેની ઓફિસ ચલાવવાના ખર્ચ પેટે દર મહિને બીજા રૂ. ૪૫,૦૦૦ મળે છે. તેમાં સ્ટેશનરી-ટપાલ ખર્ચ પેટેના રૂ. ૧૫,૦૦૦ તથા સેક્રેટરી કે સહાયક રાખવાના રૂ. ૩૦,૦૦૦નો સમાવેશ થઈ જાય છે.
આ સિવાય સાંસદોને તેમના મતક્ષેત્રમાં વિકાસકામ માટે ફાળવવા બીજા કરોડોની ગ્રાન્ટ મળે છે. અલબત્ત, એ નાણાં તેમના ગજવામાં જતા નથી, પરંતુ તે નાણાંની ફાળવણીની સત્તા તેમની પાસે હોઈ કેટલાક સાંસદો સામે ભૂતકાળમાં કેટલાક સંશયો પેદા થયેલા છે. એક તરફ દેશમાં ‘ગરીબી’ની વ્યાખ્યા કરવાની ચર્ચા ચાલે છે ત્યારે બીજી બાજુ રાજકારણીઓ માટે રાજનીતિ જ પોતાની ગરીબી દૂર કરવાનું એક સાધન બની ગયું છે. સ્કૂટર પર ફરનારાઓ કોઈ વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાયા બાદ કારમાં ફરવા લાગે છે. પક્ષમાં કોઈ હોદ્દો મળી જાય તો ત્રણ લાખની મોટરમાં ફરવાવાળા ૧૦ લાખની મોટરમાં ફરવા લાગે છે. ત્રણ હજારનો મોબાઈલ વાપરવાવાળા ૨૦ હજારનો સ્માર્ટ ફોન વસાવી દે છે. તે ગામડાંમાંથી આવતો હોય તો વતનમાં તો ઘર ખરું જ,પણ નજીકના શહેરમાં પણ આલિશાન ફ્લેટ કે બંગલો ખરીદી લે છે. બેંકમાં દસ હજારનું પણ બેલેન્સ નહીં ધરાવનારા રાજકારણમાં આવ્યા બાદ કરોડોના આસામી બની જાય છે. ભૂતકાળમાં લોકસભામાં પ્રશ્નો પૂછવાના પણ પૈસા લેવાતા હોવાના આક્ષેપો કેટલાક સાંસદો સામે થયેલા છે. એમાં યે જો કેન્દ્રમાં કે રાજ્યમાં મિનિસ્ટર બની જવાય તો કેટલીકવાર અબજોના માલિક બની જવાય છે. મિનિસ્ટર બની જવાય પછી તેમના પુત્રો, જમાઈઓ, ભત્રીજાઓ અને ભાણિયાઓ પણ કામે લાગી જતા હોય છે. આ કારણસર કેટલાકે દિલ્હીની ખુરશી પણ ગુમાવી છે. દિલ્હીમાં સાંસદોને મળતી સુવિધાઓની યાદી જોયા બાદ મન લલચાતું હોય તો છોડી દો બીજાં કામો અને જોડાઈ જાવ રાજનીતિમાં. ટિકિટ માંગો, ટિકિટ મળી અને જીતી ગયા તો પાસાં પોબાર છે. ૨૦૧૪ની ચૂંટણી હવે નજીકમાં જ છે. અત્યારથી જ સોગઠાં ગોઠવવા માંડો. ગોડફાધરને પકડી લો, પગે લાગો, ચરણ સ્પર્શ કરો. જે કરવું હોય તે કરો,પણ ટિકિટ લઈ આવો, પછી જેવું તમારું નસીબ !
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "