ભારતના ક્રિકેટ જગતનો કંટ્રોલ ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને નેતાઓ પાસે કેમ?
આઈપીએલ-સિઝન ખતમ થઈ ગઈ, પરંતુ ભારતના ક્રિકેટ જગતના માંધાતાઓએ ખેલેલી ગેમ ક્રિકેટની રમતના ચાહકોને આઘાત બક્ષનારી રહી. બીસીસીઆઈમાં બેઠેલા બડાબડા ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓએ જે ખેલ પાડી દીધો તે જોતાં લાગે છે કે,ભારતીય ક્રિકેટ જગત હાલ સૌથી નિમ્ન કક્ષાએ છે. બીસીસીઆઈના બિગ-બોસ એન. શ્રીનિવાસને જમાઈનાં કારસ્તાન ઉઘાડાં પડી ગયા બાદ તેની નૈતિક જવાબદારી સમજીને સંસ્થાનું પ્રમુખપદ છોડી દેવાની જરૂર હતી, પરંતુ આમ કરવાના બદલે તેમણે દાલમિયાને બેસાડી દઈ પોતાનો રૂતબો યથાવત્ રાખ્યો. દેશના શક્તિશાળી નેતાઓ અને કેન્દ્ર સરકાર પણ ક્રિકેટના નામે ખેલાયેલા બીભત્સ ખેલને નિઃસહાય થઈને નિહાળી રહ્યા.
એ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારતની પ્રિય રમત ક્રિકેટ પર કેવા ભ્રષ્ટાચારી અને પૈસાના ભૂખ્યા લોકોનો કબજો છે. આ લોકો માત્ર ભ્રષ્ટ જ નથી, પરંતુ અહંકારી પણ છે. જે લોકો ક્રિકેટની રમતનું સંચાલન કરે છે તેમાંથી મોટા ભાગના લોકોને ક્રિકેટનું બેટ પણ પકડતાં આવડતું નથી. બેટિંગ કરતાં હોય તો એક રન કર વા માટે દોડવાની પણ હામ નથી. બસ, તેઓ ઉદ્યોગપતિ છે કે રાજકારણી છે એટલા માટે જ ક્રિકેટ સંસ્થાઓ પર ટોચનાં સ્થાન ધરાવે છે. આ લોકો માટે ક્રિકેટ એક ગેમ નહીં, પરંતુ બિઝનેસ છે. પહેલાં લલિત મોદી આ ધંધો કરતા હતા. હવે એન. શ્રીનિવાસન પણ એ જ ધંધો કરે છે. ૪૦ હજાર કરોડનો સટ્ટો ખુલ્લેઆમ ખેલાય છે. સ્પોટ ફિક્સિંગ થાય છે. ક્રિકેટરો ગેમ માટે નહીં પણ પૈસા માટે રમે છે. ત્યારે સેલિબ્રિટી ગણાતો મહેન્દ્રસિંહ ધોની મૌન રહે છે. ભારત સરકાર મૌન રહે છે. લોકસભામાં સામાન્યમાં સામાન્ય મુદ્દા પર બુમરાણ મચાવી ગૃહ નહીં ચલાવવા દેતા રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી મૌન થઈ જાય છે. રાજીવ શુક્લા કોંગ્રેસમાં હોવા છતાં ક્રિકેટની રાજરમતમાં અરુણ જેટલી સાથે હાથ મિલાવે છે. શરદ પવાર યુપીએમાં કોંગ્રેસના નેતૃત્વની સરકારના સાથી હોવા છતાં કોંગ્રેસના રાજીવ શુકલા શરદ પવારને શક્તિશાળી થતાં રોકવા પરદા પાછળની ગેમ ખેલે છે. બે મહિના પછી બીસીસીઆઈના પ્રમુખ બનવા અરુણ જેટલી અત્યારથી બાજી ગોઠવે છે. કીર્તિ આઝાદ અને બિંદ્રા સિવાય એક પણ વ્યક્તિ એન. શ્રીનિવાસન સામે બોલવા તૈયાર નથી.
“અત્યારે એન. શ્રીનિવાસન કામ નહીં કરે અને તેમનું કામકાજ જગમોહન દાલમિયા સંભાળશે”- એવી વચગાળાની ગોઠવણ લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે. બીસીસીઆઈના પ્રમુખ પરનો વિવાદ પરાકાષ્ઠાએ હોય ત્યારે ચાવીરૂપ નિર્ણયો લેવા માટેની મીટિંગમાં હાજરી આપવાના બદલે કોંગ્રેસના રાજીવ શુક્લા અને ભાજપાના અરુણ જેટલી વીડિયો કોન્ફરન્સથી દિલ્હી બેઠા-બેઠા બેઠકને સંબોધે છે. બેઠક વખતે એકમાત્ર આઈ. એસ. બિંદ્રા જ શ્રીનિવાસનના રાજીનામાની માગણી કરે છે. જ્યારે બીજા બધા જ બોર્ડ મેમ્બર્સ ભેદી મૌન સેવે છે. જાણે કે બધા જ શ્રીનિવાસનથી ડરે છે. અથવા તો બધાનાં જ કોઈ ને કોઈ સ્થાપિત હિતો છે અથવા તો તે તમામ પર શ્રીનિવાસનના કોઈ ને કોઈ જાહેર કરી ના શકાય તેવા ઉપકાર છે. ભારતનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી વધુ રિચેસ્ટ બોર્ડ છે, પણ તેના કસ્ટોડિયનોએ ક્રિકેટને હવે જેન્ટલમેન ગેમ રહેવા દીધી નથી. ક્રિકેટની ગેમને લાગેલા આ પક્ષઘાતમાંથી બહાર આવતાં સમય લાગશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ ભલે દેશના કરોડો ક્રિકેટ ચાહકો માટે મનોરંજન પીરસનારી સંસ્થા હોય, પરંતુ એથી વધુ શરમની વાત શું હોઈ શકે કે આઈપીએલના જન્મદાતા લલિત મોદી હજુ સુધી ફરાર છે. તેઓ ભારત આવવા ઇનકાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે, “તેમની જાનને ખતરો છે.” હકીકતમાં તેમને કાનૂનથી ખતરો છે. લલિત મોદી સાથે સંકળાયેલી દિલચશ્પ કહાણીઓમાં એક કહાણી એ છે કે, એક વખત તેમણે એ વખતના તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી શશિ થરુરને પત્ર લખી આગ્રહ કર્યો હતો કે, ૨૩ વર્ષની એક દક્ષિણ આફ્રિકી મોડેલના વીઝા એક્ષ્ટેન્શનને રદ કરી તેને ભારતની બહાર ધકેલી દે. લલિત મોદી એ મોડેલથી આટલા નારાજ કેમ હતા તે હજુ કોઈ જાણી શક્યું નથી. લલિત મોદી આવા નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા હતા. એ જ રીતે ભારતથી ભાગતાં પહેલાં તેમણે સોની કંપનીને ફેસિલિટેશન ફી પેટે રૂ. ૪૪૦ કરોડ એ કંપનીને ચુકવવા કહ્યું હતું, જેમાં તેમના બોસ શરદ પવારના જમાઈની ભાગીદારી હતી. એ મામલાનું શું થયું એ તો ભગવાન જાણે ! આઈપીએલ એક એવી સંસ્થા છે જેમાં એક કૌભાંડ ભૂલાય તે પહેલાં નવું જન્મ લે છે.
શરદ પવાર- બીસીસીઆઈના ચેરમેન હતા ત્યારે તેમના જ મૂડીરોકાણવાળી એક કંપનીએ આઈપીએલની એક ટીમ ખરીદવા બોલી લગાવી હતી. જ્યારે આખો યે મામલો સામે આવ્યો ત્યારે શરદ પવારે કહ્યું કે, “મારી જાણ બહાર મારી કંપનીએ બોલી લગાવી હતી.” હજારો કરોડની વાત હોય અને શરદ પવાર જાણતા જ ના હોય એ માની શકાય ખરું ? આવી તો કેટલીયે કહાણીઓ આઈપીએલ સાથે સંકળાયેલી છે. એની બે ટીમો ડેક્કન ચાર્જર્સ અને કોચિ ટસ્કર્સને અગાઉ જ બહાર કરી દેવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વિદેશ મુદ્રાના નિયમો અને માલિકીપણા અંગે સંદર્ભમાં કેટલાક આરોપોનો કોર્ટમાં સામનો કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ પર તો ગયા ફેબ્રુઆરીમાં રૂ. ૧૦૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલની ભિન્ન ભિન્ન કેટલીક ટીમો તથા બીસીસીઆઈને ‘ફેમા’ના ઉલ્લંઘનની બાબતમાં લગભગ રૂ. ૨૦૦૦ કરોડની કમ સે કમ ૨૪ કારણદર્શક નોટિસો મોકલવામાં આવી છે.
આ બધામાં બીસીસીઆઈના બોસ એન. શ્રીનિવાસન સૌના શિરમોર નીકળ્યા. તેમણે પોતાની જ ટીમ ચેન્નાઈ સુપરકિંગના ફાયદા માટે નિયમોને તોડયા અને મરોડયા છે. ૨૦૧૦માં તેમણે રાજસ્થાન રોયલ્સનો હાથ આમળ્યો હતો, કારણ કે તે ટીમ એન્ડ્રયુ ફ્લિંટોફને લેવા માગતી હતી અને તેઓ એન્ડ્રયુ ફ્લિંટોફને પોતાની ટીમમાં રાખવા માગતા હતા. બીસીસીઆઈના એક સેક્રેટરીએ તો એવો પણ આક્ષેપ કર્યો છે કે, આઈપીએલની ગેમ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગના પક્ષમાં અમ્પાયર ‘ફિક્સ’ હતા.
આ બધામાં સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે, નેતાઓ તો ચૂપ છે એ સમજી શકાય તેમ છે, પણ આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર વિશે આપણા ક્રિકેટરો કેમ ચૂપ છે ? કારણ જાણવું હોય તો આ રહ્યું : ધોનીનું મૌન સૌથી વધુ રહસ્યમય અને આશ્ચર્યજનક છે. ધોની અનેક ઉદ્યોગોમાં ભાગીદારી ધરાવે છે, પણ તેમાં એક આરોપ એવો છે કે, તેને ચેન્નાઈ સુપરકિંગનો કેપ્ટન છે તે ટીમના માલિક શ્રીનિવાસનની કંપની-ઈન્ડિયા સિમેન્ટમાં વાઈસ પ્રેસિડેન્ટ પણ છે. તેના આર્િથક હિતો ન જોખમાય તે કારણથી ધોની તેના બોસની સામે કાંઈ બોલવા તૈયાર નથી. ભારતના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીને બીસીસીઆઈ વર્ષે દહાડે રૂ. ૩.૬ કરોડની ફી ચૂકવે છે. આ રકમ એ નથી કે સોની કંપની તરફથી તેમને કોમેન્ટ્રી માટે મળે છે. આ વધારાની ધનરાશિ છે. વિદેશના કેટલાક વ્યવસાયિક ખેલાડીઓને તેમની રાષ્ટ્રીયતાના કારણે લેવામાં આવતાં નથી. પહેલાં પાકિસ્તાની ખેલાડીઓને હવે શ્રીલંકાના ખેલાડીઓને લીગથી બાકાત રાખવામાં આવ્યા છે. પાકિસ્તાનના ખેલાડીઓને આઇપીએલમાં રમવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ વખતે શ્રીલંકાના ક્રિકેટર્સને ચેન્નાઇમાં રમવા દેવામાં આવ્યા નથી. ચીયર લીડર યુવતીઓ પણ રંગના આધારે પસંદ કરવામાં આવે છે. ચીયર લીડર્સ ગર્લ્સમાં અશ્વેત યુવતીને સ્થાન નથી. બીસીસીઆઈ અને આઈપીએલનો આ બીભત્સ ખેલ ભારત સરકાર ક્યાં સુધી જોયા કરશે ? ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓને સત્તા અને પૈસા ભૂખ્યા વરુઓના હવાલે ક્યાં સુધી રાખશો ? બીસીસીઆઈને આરટીઆઈના અધિકાર હેઠળ ક્યારે લાવવામાં આવશે ? બીસીસીઆઈના બોલને એકાઉન્ટેબલ ક્યારે કરવામાં આવશે ? રાજનેતાઓ અને કેટલાક ઉદ્યોગપતિઓ માટે ક્રિકેટ એક દુઝણી ગાય છે, પણ હવે તો તેઓ તેનાં આંચળ પણ આરોગી જવા માંગે છે. બીસીસીઆઈએ દેશને બદનામી આપી છે અને ગેમને પણ.



What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "