એ આખીયે કોલેજની કિલકારી હતી અબુધ, અતાર્કિક અને નિર્દોષ પણ
તબીબી કોલેજના એક અધ્યાપક પાછલા વર્ષોની વાતને યાદ કરતાં કહે છેઃ “મેડિકલ કોલેજમાં આવેલી ‘એની’ એક દક્ષિણ ભારતીય વિદ્યાર્થિની હતી. આમ તો તે મેડિકલની સ્ટુડન્ટ હતી પરંતુ બીજી વિદ્યાર્થિનીઓ કરતાં સાવ નોખી, ભોળી, અબુધ અને નાદાન. તે હિન્દી પણ સાઉથ ઇન્ડિયન સ્પર્શવાળું બોલતી. ચાલુ ક્લાસે તે ક્યારે શુ પૂછશે તેનું અનુમાન કરી શકાતું નહીં. એકવાર મારા સાથી પ્રો. શર્મા વેકેશન પર જઇ રહ્યા હતા. તેમના પત્નીને પૂરા માસ જઇ રહ્યા હતા. એનીએ અચાનક જ બધાની વચ્ચે પૂછી નાંખ્યુ : “સર,મેડમ કા અંતિમ સમય ચલ રહા હૈ?”
બધા હસી પડયાઃ પ્રો. શર્માએ કહ્યું : “અંતિમ સમય નહીં પૂરા સમય ચલ રહા હૈ.”
એક વખત પ્રો. મહેતાના પિતાજીનું અવસાન થયું. ત્યારે પણ એની બોલી હતી : “સર, આપકા પિતાજી મર ગયા, બહોત દુઃખ હુઆ.” એનીની વાક્ય રચના સુધારતા મેં એને કહ્યું…. દેખો એની, ઐસા નહી બોલતે, તુમ્હે કહના ચાહિયે આપકે પિતાજી નહી રહે, સુનકર બહોત દુઃખ હુઆ.”
અને એનીનો હાથ પકડી મેં એને કહ્યું હતું : અબ ચલો યહાં સે.” મેં એને સાહસિકતાથી જ સ્પર્શ કર્યો હતો. એની વયસ્ક હતી. પ્રથમ સ્પર્શની અનુભૂતિ એક અમીટ છાપ છોડી દે છે. આવી એની આખાયે કલાસમાં એક તોફાન હતું. એની બેલગામ જબાનના કારણે રોજ ક્લાસમાં હાસ્યની કિલકારી થતી. સાડા ત્રણ વર્ષના મારા અધ્યાપન કાર્યમાં હું હંમેશાં ભગવાનને પ્રાર્થના કરતો કે એની ક્લાસમાં ચૂપચાપ બેસી રહે તો સારું. એની આજે શું બોલી તેની ચર્ચા સ્ટાફરૂમમાં થતી હતી. એક દિવસ એની અચાનક મારી પાસે આવી અને પૂછવા લાગી : “સર, મૈં બુદ્ધ હું યા બુદ્ધુ? શાહ સર હમે બુધ્ધ કહેતે હૈ ઓર લડકો કો બુદ્ધુ.”
હું ફરી સંકટમાં આવી ગયો. છતાં મેં કહ્યું : “દેખો એની, લડકિયો કેં બારે મે નિર્ણય લેના કઠિન હૈ. વૈસે ભી સિર્ફ એક માત્રા કા ફરક હૈ.”
એની એ પૂછયું : “સર આપ કિસ ગ્રાઉન્ડ પે ઐસા કહતે હૈં?”
મેં કહ્યું: “દેખો એની, લડકિયા સામાન્ય તક જલદી જલદી સાંસ લેતી હૈં. પરિણામ સ્વરૂપ ઉનકી મસ્તિષ્ક કૌશિકાઓ મે ઓક્સિજન કા પ્રવાહ શિથીલ હોતા હૈ, ઇસ વજહસે લડકિયોં મે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કમ રહેતી હૈં.”
પણ એનીએ બીજો સવાલ ફેંક્યો : “સર, લડકિયાં ગહરી સાંસ ક્યો નહીં લેતી હૈ?”
અને આવા અચાનક ઉઠેલા સવાલનો જવાબ આપતા હું બોલી ગયોઃ “દેખો એની, યે એક વૈજ્ઞાનિક તથ્ય હૈ જિસકા સંબંધ સ્ત્રી કે વક્ષઃસ્થળ કી પ્રોજેક્ટેડ બ્યુટી સે હૈં. ઉસકી સુંદરતા સે હૈં.”
હું ગહરા શ્વાસ અને વૃક્ષ સ્થળના સંબંધને સમજાવું તે પહેલાં તે બોલી ઊઠી : “સર, યે વક્ષ ક્યા હૈ?”
અને હું ચૂપ થઇ ગયો. એની નાદાનીયત પર મને હસવું આવ્યું. મેં પ્રેમથી મારો હાથ એના ખભા પર મૂક્યો, અને એટલા જ પ્રેમથી હું એને સ્ટાફરૂમની બહાર મૂકી આવ્યો. એમ કરતાં કરતાં ચાર વર્ષ વીતી ગયા : હું એનીને બદલી તો ના શક્યો પરંતુ ધીમે ધીમે હું જ એની જેવો થઇ ગયો. એની એક દિવસ ક્લાસમાં ના આવે તો મને ચિંતા થઇ જતી. ઘણીવાર મને એની અનિવાર્ય લાગતી હતી. એનું મારી સાથેનું તાદાત્મ્ય અનન્ય હતું. કોઇ કોઇ વાર તો મને થતું કે, “હું એની ને કહી દઉં કે એની તું મને બહુ જ ગમે છે.” પરંતુ ખૂલીને વાત કરવાની મારી હિંમત ચાલી નહીં. મારો જન્મ દિવસ હોય ત્યારે તે હંમેશા શુભેચ્છા પાઠવતી. એક દિવસ એના જન્મ દિવસે તે સરસ ડ્રેસ પહેરીને આવી હતી. મે કહ્યું: “એની, તુમ અચ્છી લગતી હો.”
એની બોલી હતી : “અચ્છી હું ઇસલિયે તો અચ્છી લગતી હું. ઇસમે નઇ કૌનસી બાત હૈ, સર?”
મને ઘણીવાર એવું લાગતું કે હું અને એની એક સમાંતર શીખર પર છીએ અને ત્યાં સુધી પહોંચવાનો કોઇ સેતુ મારી પાસે નહોતો. અમારી વચ્ચેનો ફાંસલો અમિટ હતો. હું તાર્કિક વાતો કરતો. તે સાવ અર્તાિકક હતી. હું ગંભીર હતો. તે સાવ રમતીયાળ હું લોકોનો અસ્વીકાર કરતો, પરાજીત કરતો અને સન્માન પામતો હતો.તે લોકોને સ્વીકારી લેતી. અપમાનીત થતી અને છતાંયે આનંદિત રહેતી. મારી કોલેજમાં ફિડીયોલોજી, ફાર્મેકોલોજી, મેડિસીન, એનેટોમી, એન્કોલોજી એ બધું જ ભણાવવામાં આવતું હતું. પરંતુ મારા માટે તો એની જ એક ‘સબ્જેક્ટ’ બની ગઇ હતી. હું એની સાથે વાત કરવાના વિષયની તલાશમાં હતો. એક દિવસ મેં એને પૂછી જ નાંખ્યું: “એની, તુમ બહોત સવાલ કરતી હો, આજ મૈં તુમસે એક સવાલ પૂછું.”
તે તરત જ બોલીઃ “મુઝે તો જવાબ દેના આતા હી નહીં હૈં, સર.”
“નહીં એની આજ મેરી ખાતિર… મેરી કસમ.” એટલું બોલતા હું કાંપી ગયો. કારણ કે એમાં મારામાં એના પ્રત્યેના છૂપા પ્રેમની અભિવ્યક્તિ અને અધિકાર છુપાયેલો હતો. મેં જોયુ તો એની થોડી શરમાઇ ગઇ. થોડું થોડું મુશ્કરાવા લાગી. તે બોલી : “અચ્છા પૂછીએ સર”
મેં પૂછયું: “જિંદગી કે બારે મેં ક્યા સોચતી હો? અગલે સાલ તુમ ડોકટર હો જાઓગી.”
એની બોલી “સર, મેં તો જિંદગી કે બારે મેં નહી, શરીર કે બારે મે સોચતી હું. ઔર જિંદગી સે જ્યાદા બાઇક કે બારે મેં સોચતી હું,જિસે મૈં ચલાના ચાહતી હું, પર વહ મેરે પાસ હૈ નહીં. મેં બ્લેક જીન્સ ટોપ કે બારે મેં સોચતી હું, જો મુઝે પસંદ હૈ, પર મા પહનને દેતી નહીં હૈ. મૈં પાપા કે બારે મેં સોચતી હું, જિનકી કમી મૈને હંમેશાં મહેસૂસ કી હૈં. કાશ આજ પાપા હોતે… સર, મૈં ને જિંદગી કે બારે મેં કભી સોચા નહીં હૈં. વહ તો મેરે પાસ ભરપૂર હૈ. લેકિન સર, આપ જિંદગી કે બારે મેં ક્યા સોચતે હો… આપ કો ક્યા કમી હૈ?”
મૈં નિશ્વાસ સાથે કહ્યું : “હા, એની, મેરી જિંદગી મેં ભી કુછ કમી તો હૈં”
મારું એ વિધાન સાંભળ્યા બાદ એનીએ આગળ કાંઇ જ પૂછયું નહીં. મને લાગ્યું કે હું પરાજિત થઇ ગયો. હું નિયંત્રણ ગુમાવી દઉં એ પહેલા મેં એનીને વિદાય કરી દીધી. એ મારી સામે અનિમેષ દૃષ્ટિથી જોતી જોતી ચાલી ગઇ. હું સ્ટાફરૂમમાં ગયો તો ત્યાં પણ મેં અધ્યાપકો એનીની જ વાત કરતા હતા. બધાને કોઇને કોઇ દુઃખ હતું. ત્યારે કોઇ કહેતું : ‘અરે યાર, જીવન જીવવું હોય તો એનીની જેમ જીવો. બસ એ તો કિલકારી છે. કિલકારી.” આ બધું સાંભળી હું ચૂપ રહેતો. મને લાગતું હતું કે મારા સુખની વ્યાખ્યા એનીથી જ પૂર્ણ થતી હતી. પણ હું તેને કદીયે કહી શકતો નહોતો. અને એની તો નાદાન હતી.
એક દિવસ પ્રો. શર્માએ સ્ટાફરૂમમાં બધાને કહ્યું : “કિલકારી ત્રણ માસની રજા પર દિલ્હી જાય છે.”
બધાંએ પૂછયું “શું થયું એની ને?”
“એનીને કાંઇ થયું નથી. એની બહેન ગંભીર રીતે બીમાર છે. તેની બહેનની બંને કિડનીઓ ફેલ થઇ ગઇ છે. તેને બે નાના બાળકો છે. એનીએ પોતાની એક કિડની આપવા નિર્ણય કર્યો છે. કિડની મેચ થઇ ગઇ છે. બે દિવસ પછી ઓપરેશન છે.”
સ્ટાફરૂમમાં ચર્ચા શરૂ થઇ. “એમાં એનીએ કિડની આપવાની જરૂર ક્યાં હતી?” બીજા કોઇએ કહ્યું : એની ઇઝ ગ્રેટ.” પરંતુ હું ગભરાયો. તરત જ બહાર દોડયો. પ્રો. શર્મા બોલી રહ્યા હતા : “બુદ્ધિશાળી લોકો તો મૂર્ખતાથી બચી જાય છે પણ અબૂધ નહીં. એની મૂર્ખ છે.”
એક માત્ર મને ખબર હતી : “એની અનકલકયુલેટેડ છે. તે ગણતરી બાજ નથી.”
મેં તપાસ કરી તો એની દિલ્હી પહોંચી ગઇ હતી. એ દિવસ પછી સમાચાર મળ્યા કે એની પરનું ઓપરેશન સફળ રહ્યું નથી. તેની એક કિડની કાઢી લીધા બાદ તે ખુદ ગંભીર છે અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી છે એ સમાચાર સાંભળતાં જ મેં ટ્રેન પકડી અને સીધો દિલ્હી પહોંચ્યો. એની અને તેની બહેન બેઉ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં હતા. હું ડોકટરને મળ્યો. એમણે કહ્યું કે એનીની તબિયતમાં કોઇજ સુધારો નથી. તેમણે મને માત્ર પાંચ જ મિનિટ એનીને મળવા પરવાનગી આપી. હું સીધો આઇસીયુમાં પહોંચ્યો. તેના મોં પર ઓક્સિજન માસ્ક હતું, પણ સ્થિર આંખે મને જોઇ રહી. હું ચૂપચાપ એને જોઇ રહ્યો. રૂમમાં સન્નાટો છવાયેલો હતો. એનીની નિર્દોષ બધી જ કિલકારીઓ મને યાદ આવી ગઇ. હું તેનો હાથ પકડીને કહેવા માંગતો હતો : “એની, તેં આ શું કર્યું. હું તને બહું જ ચાહું છું.” પણ હું કહી શક્યો નહીં. હા, મેં એનો હાથ પકડી લીધો. એણે આંખોથી મુશ્કાનભર્યો પ્રતિભાવ આપ્યો. એ બોલી શકતી નહોતી. એણે મને આંખોથી એના ઓશીકાની પાછળ પડેલો મોબાઇલ એના હાથમાં આપવા ઇશારો કર્યો. તે આંખમાં આંસુઓ પરનું નિયંત્રણ ગુમાવી ચૂકી હતી. મને લાગ્યું કે હું તેની સામે હારી રહ્યો હતો. વધુ ભાવુક ના થઇ જાઉ તે કારણે હું તરત જ બહાર નીકળી ગયો.
હું વેઇટીંગરૂમમાં પહોંચું તે પહેલાં મારા મોબાઇલ પર મેસેજ આવ્યો એ એનીનો મેસેજ હતો. એનીએ લખ્યુ હતું “મૈં જાનતીથી … આપ મુઝે પ્યાર કરતે હો.”
અને જાણે કે એ શબ્દોમાં લાખ વાર વાંચી નાખ્યા. એ એસએમએસ વાંચતા વાંચતા હું રડી પડયો. અને થોડીક ક્ષણો બાદ ફરી એનીનો મેસેજ આવ્યોઃ “…લેકિન આપ ભી નહીં જાન પાયે.”
મને લાગ્યું કે એક હીમશીલા પીગળી રહી છે. એનીની લાગણી મારા સુધી પહોંચી કેમ નહીં? મને થતું હતું કે એની ફરી સાજી થઇ જાય. ફરી તેની અબુધ વાતો કરે. ફરી કોઇ નાદાન સવાલ કરે…” હું આ બધુ વિચારતો હતો ત્યાં એનીનો ફરી મેસેજ આવ્યો : “બાય બાય… સર આઇ લવ યુ.”
– અને હું ફરી આઇસીયુમાં દોડયો.
એનીની આંખો સદાના માટે બંધ થઇ ગઇ હતી. એના ચહેરા પર એવીને એવી જ મુશ્કરાહટ હતી. મને થતું હતું કે, હમણાં તે કાંઇ બોલી ઊઠશે. પણ એવું કાંઇ જ બન્યું નહીં. .. એક વોર્ડ બોયે તેના દેહ પર સફેદ ચાદર ઢાંકી દીધી.
આ વાતને વર્ષો થઇ ગયાં પરંતુ એનીનો પહેલો અને છેલ્લો એસએમએસ આજે પણ મેં સેવ કરી રાખ્યો છે…. કહેતાં અધ્યાપક તેમની વાત પૂરી કરે છે.

What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "