અમદાવાદ જેવાં મેટ્રો શહેરો શિકાગો જેવાં ખતરનાક ક્રાઈમ કેપિટલ બન્યાં

અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલાં એક ધનવાન તબીબના પુત્રે રૂ. એ કરોડની બીએમડબલ્યુ કારને ૧૫૦ કિલોમીટરની ઝડપે ચલાવીને મધ્યમવર્ગના પરિવારના બે સંતાનોને જાહેરમાં કચડી નાખ્યા. એક ભયાનક અકસ્માત સર્જીને તબીબનો પુત્ર કોઈ રહસ્યમય યુવતીની કારમાં બેસીને પલાયન થઈ ગયો. કારનો ભુક્કો થઈ ગયો. જે બે યુવાન મૃત્યુ પામ્યા છે તેમનાં માતા-પિતાની હાલત અત્યંત દયાજનક છે. પિતાએ ન્યાય માગવા ઉપવાસ પર ઊતરવું પડયું. છતાં પોલીસ ગાંધીનગરના ઈશારે આ ઘટના અંગે ધીમી ગતિએ આગળ વધતી રહી. એ વાતથી સમગ્ર જનસમાજમાં સરકાર અને તંત્ર પ્રત્યે ભયંકર રોષ ભભૂકી ઊઠયો છે.

પોલીસ જ વિસ્મયજનક

કારચાલક વિસ્મય શાહ હતો. તેના પિતા ડો. અમિત શાહ આંખના સર્જન છે. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારમાં મોટી વગ ધરાવે છે. ડો. અમિત શાહનો પુત્ર રંગીન તબિયતનો હોવાનું તેના મિત્રો કહી રહ્યા છે. તે કદીયે ૧૦૦ કિલોમીટર કરતાં ઓછી ઝડપે કાર ચલાવતો નથી. તેની પાસે જે કાર હતી તે પણ ચંદીગઢનું પાસિંગ છે. ગુજરાતમાં કેટલાય વખતથી તે ફરતી હોવા છતાં ગુજરાત આરટીઓમાં તેનું રજિસ્ટ્રેશન થયું નથી. સાઈકલના ચોરને ટીપી નાખતી પોલીસ આ ભયંકર ઘટના અંગે ડો. અમિત શાહના ઘરે જઈ વિલા મોંઢે પાછી ફરતી રહી અને સમય પસાર કરતી રહી. રવિવારની રાત્રે અકસ્માત થયો, પરંતુ બે દિવસ વીતવા છતાં પોલીસે રહસ્યમય ચૂપકીદી સેવી. મીડિયાના ભારે દબાણ અને મૃતકના પિતાની ઉપવાસની ધમકી બાદ જ અકસ્માત સર્જનાર વિસ્મય શાહને પોલીસ સ્ટેશનમાં હાજર કરવો પડયો. ઘટનાને બે દિવસ વીતી ગયા હોઈ વિસ્મય શાહે દારૂ પીધો હતો કે કેમ તે સાબિત કરવું હવે મુશ્કેલ બની ગયું છે. આ દરમિયાન મોટરકાર વિસ્મય શાહ નહીં, પરંતુ કોઈ ડ્રાઈવર ચલાવતો હતો તેવા બનાવટી પુરાવા ઊભા કરવા સાજીશ થઈ. પોલીસ બધું જ જાણતી હોવા છતાં કોઈકના ઇશારે મૌન રહી. પોલીસનું આ રહસ્યમય વલણ ગુજરાત સરકારનું તંત્ર કેવા લોકોના હાથમાં છે તેનો નમૂનો છે. વિસ્મયના પિતા ડો. અમિત શાહનો ભૂતકાળ પણ ગુનાઈત અને કૌભાંડોથી ભરેલો છે. તેમની સામે અનેક ફરિયાદો પણ થયેલી છે. આવા લોકોને બચાવવા તંત્ર મેદાનમાં આવે તેથી વધુ વિસ્મયજનક બીજું શું હોઈ શકે ?

આ છે ગુજરાત

ચૂંટણી વખતે ગુજરાતના લોકોએ ભાજપાને ખોબલે ખોબલે મત આપ્યા છે. રાજકારણીઓની મુશ્કેલી જ એ છે કે, એકવાર સત્તા પર આવ્યા બાદ જલદીથી લોકોને ભૂલી જાય છે. ગુજરાતની જનતા પારાવાર વેદનાઓમાંથી પસાર થઈ રહી છે. ચોરલુટારા, બળાત્કારીઓ, ચેઈનસ્નેચરો અને છેતરપિંડી કરનારા ઠગો છડેચોક ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના તંત્રની આબરુના લીરેલીરા ઉડાવી રહ્યા છે. જાહેરમાં ફાયરિંગ થાય છે. રોજ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં ધોળેદહાડે ઘરફોડ ચોરીઓ થાય છે. રોજ આંગડિયા લુંટાય છે. રોજ એક મંદિરમાં ચોરી થાય છે. રોજ કોઈ મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેવામાં આવે છે. દર થોડા થોડા દિવસે બળાત્કાર થાય છે. રોજ એક બાળક ગુમ થાય છે. ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે તેની ખબર આ આંકડા પરથી પડશે. અમદાવાદ શહેરમાં દર મહિને પાંચ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. જાન્યુઆરી, ૨૦૧૨થી ૨૭ જાન્યુઆરી, ૨૦૧૩ સુધીમાં શહેરમાં લૂંટ અને ધાડના ૨૯૪ બનાવો, બળાત્કારના ૬૬ બનાવો, ચોરીના ૩૮૯૫ બનાવો, ચેઈન ખેંચી જવાના ૩૬૯ બનાવો નોંધાયા છે. બે વર્ષમાં ૬૦ મંદિરોમાંથી ચોરી થઈ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આટલી ખરાબ કદી નહોતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવાં શહેરો ક્રાઈમ કેપિટલ્સ બની રહ્યાં છે. એક જમાનામાં ન્યૂયોર્ક કે શિકાગોની આવી પરિસ્થિતિ હતી. અમદાવાદ જેવાં શહેરમાં તો ગુંડાઓનું જ રાજ છે. કોઈ દિવસ એક સાથે દસ દસ ગાડીઓના કાચ તોડી નાખવામાં આવે છે તો બીજા દિવસે ૮થી ૧૦ બાઈક્સ સળગાવી દેવામાં આવે છે,પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

ક્યાં છે પોલીસ ?

પ્રજા પૂછી રહી છે ક્યાં છે પોલીસ ? ક્યાં છે પ્રજાને સલામતીની અને સુરક્ષાની ખાતરી આપનારા નેતાઓ ? ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ પોલીસની સલામો ઝીલવામાં પડી ગયા છે. પોલીસ પણ લોકોના બદલે મંત્રીઓની સલામતીમાં જ વ્યસ્ત છે. રોજ સવાર-સાંજ પીક-અવર્સ દરમિયાન ટ્રાફિકની અંધાધૂંધી સર્જાય છે, પણ રાજ્યનું ગૃહખાતું ગુજરાતની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કુંભકર્ણની નિદ્રા માણી રહ્યું છે. સત્તાની પ્રાપ્તિ બાદ મંત્રીઓ ઝડપથી તેમને મત આપનાર પ્રજાજનોને ભૂલી ગયા છે. એમાંયે છેલ્લે જજીસ બંગલા પાસે ડો. અમિત શાહના પુત્રે ભયંકર અકસ્માત સર્જીને બે પરિવારના દીપકોને બુઝાવી દીધા તે પછી મૃત્યુ પામનાર પુત્રના પિતાની સાથે જે રીતે અન્યાય થઈ રહ્યો છે તે જોતાં તો એમ જ લાગે છે કે, ગુજરાતના મંત્રીઓ, નેતાઓ અને પોલીસ પણ ધનવાનોની જ ગુલામ છે.

ક્યાં છે સંવેદના ?

ચૂંટણી વખતે ફંડ આપનાર લોકો જ ગુજરાતના સાચા માલિકો બની બેઠા છે. જમીનોના ઇન્વેસ્ટર્સ, જમીનોનાં દલાલો, કેટલાક બિલ્ડર્સ અને ગાંધીનગરમાં બેઠેલા તેમના ભાગીદારોને બીએમડબલ્યુ કારના અકસ્માતનો કોઈ જ રંજ નથી. બે ઘરમાં માતમ છે,પણ ગાંધીનગરને તેની કોઈ જ સંવેદના નથી. એક પિતા ઉપવાસ પર બેસે તો પણ સરકારને તેની કોઈ જ અસર નથી. એક માતા વારંવાર બેહોશ થઈ જાય છે, પરંતુ મંત્રીને તેના ઘરે જઈ સાંત્વના આપવા જવાની પણ ફુરસદ નથી. આસારામ આશ્રમના ગુરુકુળમાં ભણતાં બે બાળકોના રહસ્યમય મોત પર પણ સરકારે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નથી. ગુમ થયેલાં બાળકોનાં માતા-પિતાનો વિલાપ નેતાઓને સ્પર્શતો જ નથી. પ્રજા પ્રત્યેની આવી રુક્ષતા સત્તા પર બેઠેલા નેતાઓ માટે ક્યારેક વિપરીત પરિણામો પણ લાવી શકે છે. પ્રજા કાયમ માટે કોઈના ખિસ્સામાં છે તેવું માની લેવું તે વધુ પડતું આત્મવિશ્વાસમાં રાચવા જેવું થશે.

શ્રીમંતોના નબીરાઓ

ગુજરાતમાં રાતોરાત શ્રીમંત બની ગયેલા પૈસાપાત્ર માણસો પણ તેમના નબીરાઓને કાબૂમાં રાખે તે જરૂરી છે. પુત્રના હાથમાં કરોડ રૂપિયાની ગાડીનું સ્ટિયરિંગ સોંપતાં પહેલાં પુત્રની લાયકાત પણ તેમણે જોઈ લેવી જોઈએ. દીકરો રાત્રે ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે પાર્ટીઓ કરે છે અને કેટલી સ્પીડથી કાર ચલાવે છે તે બધી બાબતો પર પણ માતા-પિતા નજર નહીં રાખે તો કોઈ દિવસ તેઓ કોઈ નિર્દોષ પરિવારની જિંદગી તો રોળી જ નાખશે અને સાથે સાથે તેમના પુત્રને પણ જેલના સળિયા ગણવાનો વારો આવશે. શહેરની પ્રજાની એવી માગણી છે કે, ડો. અમિત શાહ પૈસાથી અને રાજકીય સંપર્કોથી ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ તેમના પુત્રએ સર્જેલા ગંભીર અકસ્માત સંબંધમાં તેમની સામે તમામ કાયદાકીય પગલાં લેવાં જોઈએ અને અકસ્માત સર્જનારને સખતમાં સખત સજા થવી જોઈએ.