Devendra Patel

Journalist and Author

Date: February 11, 2013

સૌંદર્ય સામ્રાજ્ઞી સાથે એક અસુંદર છલના

એનું નામ છે : જિના લોલોબ્રિગીડા.

એક જમાનાની ‘મોસ્ટ બ્યૂટીફૂલ વૂમન ઓફ ધી વર્લ્ડ’ તરીકે જાહેર થયેલી જિના લોલોબ્રિગીડા એક ઇટાલિયન ફિલ્મસ્ટાર છે. ૧૯૫૦ના ગાળામાં ‘ગોડેસ ઓફ સ્ક્રીન’ તરીકે પંકાયેલી જિના લોલોબ્રિગીડાની વય આજે ૮૫ વર્ષની છે. આ ઉંમરે પણ તેની સાથે તેના એક પૂર્વ બોયફ્રેન્ડે તેની જાણ બહાર જ તેની સાથે સિક્રેટ મેરેજ કરી લીધું હોવાની અજીબોગરીબ ઘટનાએ ઇટાલીથી માંડીને છેક હોલિવૂડમાં રસપ્રદ ચર્ચા જગાવી છે. જિના લોલોબ્રિગીડા હાલ ઇટાલીમાં સિસિલીના એક ભવ્ય ફાર્મહાઉસ, રોમના ‘વીપા એપિના એન્ટિકા’નામના વિલા અને મોન્ટેકાર્લોના એક ભવ્ય વિલામાં રહી તેનું સિક્રેટ જીવન પસાર કરે છે. એક દિવસ અચાનક જ તેને ખબર પડી કે,તેના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયર રાફોલે તેની સાથે લગ્ન કરી લીધાનાં દસ્તાવેજો રજિસ્ટર કરાવી લીધા છે.

જેવિયર રાફોલ જિના લોલોબ્રિગીડાથી ૩૪ વર્ષ નાના છે અને સ્પેનિશ બિઝનેસમેન છે. જેવિયરની ઉંમર હાલ ૫૧ વર્ષની છે. જિના લોલોબ્રિગીડા કહે છે : “જેવિયર રિગાઉ રાફોલ એક જમાનામાં મારો મિત્ર હતો એ વાત સાચી, પરંતુ મેં તેની સાથે કદીયે લગ્ન કર્યાં નથી. અમે વર્ષો સુધી સાથે રહ્યાં છીએ અને કેટલાંયે વર્ષોથી છૂટાં પણ પડી ગયાં છીએ. જો જેવિયરે મારી સાથે લગ્ન ક્યાંય રજિસ્ટર કરાવ્યાં હોય તો તે મારી સાથે થયેલું ફ્રોડ-છળકપટ છે. મારી પરવાનગી વિના જ આમ થયું છે અને હું સમજું છું કે, મારા મૃત્યુ પછી જેવિયર મારી સંપત્તિનો માલિક-વારસદાર બની જાય તે હેતુથી જ તેણે આ ફ્રોડ કર્યું છે. જેવિયર સ્પેનિશ છે અને તે જ્યારે મારો બોયફ્રેન્ડ હતો ત્યારે મારા કેટલાક કાનૂની કેસોમાં તે મને મદદ કરતો હતો. મેં તેને પાવર ઓફ એટર્ની પણ આપી રાખ્યો હતો. એક વખત તેણે મને કેટલાંક ફોર્મ પર સહી કરવા કેટલાક કાગળો મને મોકલી આપ્યા હતા. એ ફોર્મ સ્પેનિશ ભાષામાં હતાં. હું સ્પેનિશ જાણતી નથી. એ ફોર્મ પર મેં સહીઓ કરી હતી, પણ મને ખબર નથી કે તેમાં શું હતું ? આ સમગ્ર કાવતરાની મેં તપાસ માગી છે.”

એક જમાનાની ખૂબસૂરત અભિનેત્રી સાથે તેની જાણ બહાર જ લગ્નનાં કાગળો ઊભાં કરવા માટે જિના લોલોબ્રિગીડાના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયરે જિના લોલોબ્રિગીડા જેવી જ દેખાતી કોઈ સ્ત્રીનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. મેડ્રિડ-સ્પેનમાં રહેતા એક સ્પેનિશ ધારાશાસ્ત્રીના જણાવ્યા અનુસાર “જેવિયરે અસલી જિના લોલોબ્રિગીડા સાથે બનાવટી લગ્ન કરવા માટે જિના જેવી દેખાતી કોઈ સ્ત્રીનો પૈસા આપી ઉપયોગ કર્યો હતો. લગ્નનાં કાગળો રજૂ કરવા એણે જિના લોલોબ્રિગીડાની કહેવાતી સહીવાળા અસલી કાગળો રજૂ કર્યા હતા. જેવિયર સ્પેનની હાઈ સોસાયટીમાં ફરતો-પાર્ટીઓમાં ઘૂમતો માણસ છે.”

કહેવાય છે કે, જિના લોલોબ્રિગીડા અને જેવિયરના મિત્રતાપૂર્ણ સંબંધો ૨૦ વર્ષ ટક્યા હતા. એક તબક્કે તે તેની સાથે લગ્ન કરવા પણ વિચારતી હતી, પરંતુ પાછળથી તેણે વિચાર બદલ્યો હતો અને એ સંબંધોનો ૨૦૦૬માં અંત આવી ગયો હતો.

જિના લોલોબ્રિગીડાનો જન્મ ઇટાલીના સુબિઅકો ખાતે થયો હતો. તેના પિતા એક ફર્નિચર મેન્યુફેક્ચરર હતા. એક નાનકડા ગામમાં તેનો ઉછેર થયો હતો. તેણે મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી ઇટાલીમાં યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓમાં તે ભાગ લેતી રહી. ૧૯૪૭માં તેણે ‘મિસ ઇટાલી’ સ્પર્ધામાં ભાગ લીધો પણ ત્રીજા નંબરે આવી. એ પછી એને ઇટાલિયન ફિલ્મોમાં કામ મળ્યું. ૧૯૪૯માં એણે મિલ્કો સ્કોફિડ નામના યુગોસ્લોવિયન સાથે લગ્ન કર્યાં. તેનાથી તે એક પુત્રની માતા બની. તેમનું આ લગ્નજીવન ૨૪ વર્ષ ટક્યું. તે પછી છૂટાછેડા થઈ ગયા. ૧૯૬૦ના ગાળામાં વિશ્વનું પ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. ક્રિશ્ચિયન બર્નાડ સાથે પણ તેને એફેર હોવાની વાતો સંભળાતી હતી. તે પછી સ્પેનિશ બિઝનેસમેન જેવિયર રિગાઉ રાફોલના સંપર્કમાં આવી અને બેઉ એકબીજાના પ્રેમમાં પડી ગયાં. પૂરાં ૨૦ વર્ષ સુધી તેઓ એકબીજાના કંપેનિયન થઈને રહ્યાં.

૧૯૫૫માં જિના લોલોબ્રિગીડાની ફિલ્મ ‘બ્યૂટીફૂલ બટ ડેન્જરસ’ રજૂ થઈ અને એ ફિલ્મ પછી તે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી તરીકે નામના પામી. એ ફિલ્મ બાદ જ જિનાને ‘લોલો’ એવું તખલ્લુસ આપવામાં આવ્યું. જિના ટિપિકલ ઇટાલિયન બ્યૂટી ધરાવતી હતી. માથામાં વાંકડિયા વાળની ખાસ સ્ટાઈલ માટે ઇટાલીમાં ‘લોલો’ શબ્દપ્રયોગ થાય છે. ૧૯૬૧માં હોલિવૂડના સુપ્રસિદ્ધ એક્ટર રોક હડસન સાથે તે ‘કમ સપ્ટેમ્બર’ નામની સુપરહિટ ફિલ્મમાં ચમકી. આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યો. એણે યુલબ્રીનર સાથે’સોલોમન એન્ડ શીબા’ ફિલ્મમાં કામ કર્યું. તેણે ક્વિન શીબાનો રોલ કર્યો. એ જમાનાના મશહૂર કલાકારો ફ્રેન્ક સિનાત્રા, ટોની કર્ટીસ, બર્ટ લેન્કેસ્ટર અને બોબ હોપ સાથે પણ કામ કર્યું. જિના લોલોબ્રિગીડાએ ફાલ્કન ક્રેલ્ટા જેવી ટી.વી. સિરિયલમાં પણ કામ કર્યું.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, ૧૯૭૦માં તેની ફિલ્મી કારકિર્દી મંદ પડી ત્યારે જિનાએ ફોટો જર્નાલિઝમ શરૂ કર્યું. એણે પોલ ન્યૂ મેન, સાલ્વાડોર ડાલી, હેન્રી કિસીંજર, ઓડ્રી હેપબર્ન અને એલા ફિટઝગેરાલ્ડની પણ એક્સક્લુઝિવ ફોટોગ્રાફી કરી. ક્યૂબાના સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રોનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લઈ એણે વિશ્વના અખબારજગતને સ્તબ્ધ કરી દીધું હતું.

જિના લોલોબ્રિગીડા ૧૯૯૭ પછી નિવૃત્ત જીવન ગાળે છે. રોમ અને મોન્ટેકાર્લોના તેના ભવ્ય વિલામાં કોઈનેય પ્રવેશ નથી. જિના લોલો ખુદ એક શિલ્પકાર છે. તેનું ઘર ભાતભાતનાં શિલ્પોનું સંગ્રહસ્થાન પણ છે. તેનાં ત્રણ પુસ્તકો જાણીતાં છે (૧) ‘ઇટાલિયન મિઆ’ કે જે તેણે લીધેલી ઇટાલીની તસવીરોનો સંગ્રહ છે. (૨) વન્ડર ઓફ ઇનોસન્સ : તે અન્ય ફોટોગ્રાફ્સનો સંગ્રહ છે (૩) ત્રીજું પુસ્તક ‘સ્કલ્પ્ચર ૨૦૦૩’ છે.

તે કહે છે : “લોકપ્રિયતાની એક ઊજળી બાજુ છે, તે ઘણાં દ્વાર ખોલી નાખે છે, પરંતુ બીજી વાસ્તવિકતા એ પણ છે કે, મને મારી લોકપ્રિયતા ગમતી નથી. લોકપ્રિયતા તમારી પ્રાઈવેટ લાઈફને સીમિત કરી દે છે. ‘૫૦ અને ‘૬૦ના વર્ષોમાં બનતી ફિલ્મો અને આજની ફિલ્મોમાં ઘણો ફરક છે.”

આવો ભવ્ય અને રોમાન્સસભર ભૂતકાળ ધરાવતી ઇટાલીની એક જમાનાની સૌંદર્ય સામ્રાજ્ઞાી હવે તેના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયર સાથે બનાવટી લગ્નનું ફ્રોડ કરવા બદલ કોર્ટમાં જઈ રહી છે અને રોમની પોલીસ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી દીધી છે. જિના કહે છે : “મારે ઘણા પ્રેમીઓ હતા. હજુ પણ છે. હું બહુ જ સ્પોઈલ્ડ લેડી છું. મારે ઘણા પ્રશંસકો પણ છે. અલબત્ત, મારે જે કરવું હોય તે હું કરું જ છું.”

યાદ રહે કે, જિના લોલોબ્રિગીડાની ઉંમર અત્યારે ૮૫ વર્ષની છે.

– દેવેન્દ્ર પટેલ

ખૂબસૂરત સ્ત્રીઓ સાથેનું ડેન્જરસ લાયેઝન

લગ્નબાહ્ય સંબંધોએ ઘણાં પબ્લિક ફિગરની કારકિર્દી રોળી નાખી

રાજકારણીઓના જીવનમાં જ્યારે લગ્ન બાહ્ય સંબંધો ધરાવતી સ્ત્રીઓ આવે છે ત્યારે તે ડેન્જરસ લાયેઝન બની જાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના જીવનમાં એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલીન મનરોના પ્રવેશને કારણે કેનેડી પરિવાર માટે મોટું જોખમ ઊભું થઈ ગયું હતું. પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના જીવનમાં મોનિકા લેવેન્સ્કીના પ્રવેશને કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો અને બિલ ક્લિન્ટને માફી માગવી પડી હતી.

 

 

ડેવિડ પેટ્રીયાસ

થોડા મહિનાઓ પહેલાં અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા ડેવિડ પેટ્રીયાસના જીવનમાં તેમની જ બાયોગ્રાફી લખનાર પાઉલા બ્રેડવેલના પ્રવેશની માહિતી બહાર આવી જતાં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડયું છે. ડેવિડ સીઆઈએ(સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સી)ના વડા હોઈ તેમની પાસે ઘણી સંવેદનશીલ માહિતી હતી અને તે કોઈ સ્ત્રીના આંખ-કાન સુધી પહોંચે તો સમગ્ર દેશ માટે જોખમ ઊભું થઈ શકે છે. ડેવિડ પેટ્રીયાસ હજુ વધુ ઊંચા હોદ્દા પર જઈ શક્યા હોત પણ તેમના પાઉલા બ્રેડવેલ સાથેના આડા સંબંધો બહાર આવી જતાં તેમની કારકિર્દી પર પાણી ફરી વળ્યું છે.

ગેરી હાર્ટ

એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે અનેક લોકોની કારકિર્દી રોળાઈ ગઈ હોય તેવાં અનેક ઉદાહરણો છે. ૧૯૮૭માં ગેરી હાર્ટને અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવાનું નક્કી હતું, પરંતુ તેમણે મીડિયાને પડકાર ફેંક્યો કે મારા જીવન પર કોઈ ડાઘ હોય તો શોધી કાઢો. મીડિયાએ તેમનું લફરું શોધી કાઢયું અને ગેરી હાર્ટને પ્રમુખપદની ચૂંટણી લડવા ટિકિટ ન મળી. ગેરી હાર્ટની ડોના રાઈસ નામની સ્ત્રી સાથેની એક અજુગતી તસવીર મીડિયાએ શોધી કાઢી હતી.

જ્હોન એડવર્ડ

ગેરી હાર્ટ જેવું જ અમેરિકાના સેનેટર જ્હોન એડવર્ડની બાબતમાં થયું. તેમનાં પત્ની કેન્સરથી પીડાતાં હતાં અને કેન્સર છેલ્લા તબક્કામાં હતું. ૨૦૦૮માં તેઓ પણ અમેરિકાના પ્રમુખપદ માટે ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ માગી રહ્યા હતા. તેમને હિલી હંટર નામની એક ફિલ્મ નિર્માત્રી સાથે સંબંધ હતો અને તેમનાથી હિલીને બાળક પણ પેદા થયું હતું. એ વાત બહાર આવી જતાં ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ટિકિટ આપવા ઇનકાર કરી દીધો. અને એ ટિકિટ બરાક ઓબામાને મળી.

સ્ટ્રોસ કાન

ફ્રાન્સને લાગેવળગે છે ત્યાં સુધી ફ્રેન્ચ લોકો તેમના રાજકારણીઓ ચાર દીવાલો વચ્ચે શું કરે છે તેની બહુ ચિંતા કરતા નથી, પરંતુ ફ્રેન્ચ નેતા સ્ટ્રોસ કાન બિચારા ફસાઈ ગયા. અમેરિકાની એક હોટેલમાં કામ કરતી ૩૨ વર્ષની નફિસા તોઉ નામની મહિલા નોકરે ફરિયાદ કરી કે સ્ટ્રોસે મારી સાથે છેડતી કરી છે અને સ્ટ્રોસ ફસાઈ ગયા. તેઓ ફ્રાન્સના પ્રમુખપદના ઉમેદવાર બનવાના હતા પણ હોટેલની મેઈડની ફરિયાદ બાદ તેઓ પણ પ્રમુખપદની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા.

સિલ્વિયો બર્લુસ્કોની

ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનો કેસ સહેજ જુદો છે. ઈટાલીમાં ૧૮ વર્ષ કરતાં વધુ ઉંમરની સ્ત્રી પ્રોસ્ટિટયુટ સાથેના સંબંધો કાયદેસર ગણાય છે, પરંતુ સિલ્વિયા પર ૧૮ વર્ષ કરતાં ઓછી વયની યુવતી સાથે સેક્સ માણવાનો આરોપ થયો. તેમાં મોરોક્કોની નાઇટ ક્લબની કેમિની નામની એક ડાન્સર સાથેના સંબંધોની વાત બહાર આવી. સિલ્વિયાએ જાહેરજીવન છોડવું પડયું, પરંતુ ઇટાલિયનો તેમના નેતાના પાવરના પ્રશંસક રહ્યા છે.

રોબિન કુક

લંડન આડા સંબંધો માટે યુરોપનું કેપિટલ કહેવાય છે. ઘણા સંસદસભ્યો તેમના ઘરથી દૂર તેમની મહિલા સેક્રેટરીઓ સાથે સમય પસાર કરતા હોવાનું ભૂતકાળમાં જણાયું છે. ઇંગ્લેન્ડના પૂર્વ શ્રમમંત્રી રોબિન કુક તેમની મહિલા સેક્રેટરી ગેનોટ રેગન સાથે ક્યાંક સમય પસાર કરી રહ્યા હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરના પ્રેસ સેક્રેટરી એલેસ્ટર કેમ્પબેલે રોબિન કુકનાં પત્ની માર્ગારેટ કુકને ફોન કરી એ માહિતી આપી દીધી હતી. એ પછી ઘરમાં મોટું તોફાન સર્જાયું હતું. લગ્ન તૂટી ગયું હતું અને માર્ગારેટ કુકે એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે મારો હસબન્ડ છ જેટલી પ્રેયસીઓ ધરાવતો હતો અને ખૂબ દારૂ પીતો હતો.

જ્હોન મેજર

૨૦૦૨માં બ્રિટનનાં એડવિના કેરી નામનાં એક મહિલા મંત્રીએ ‘ધી ટાઇમ્સ’માં એક શ્રેણી લખીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમાં એડવિનાએ લખ્યું હતું કે ૧૯૮૪થી ૧૯૮૮ દરમિયાન મારે જ્હોન મેજર કે જેઓ પરણેલા હતા તેમની સાથે સંબંધો હતા. આ સમાચારથી આખા ઇંગ્લેન્ડમાં નવી જ પ્રકારની સનસનાટી પેદા થઈ, કારણ કે જ્હોન મેજર એક શુષ્ક વ્યક્તિ ગણાતા હતા પણ એડવિનાની કેફિયત બાદ જ્હોન મેજર રાતોરાત લોકપ્રિય થઈ ગયા અને માર્ગારેટ થેચર પછી જ્હોન મેજર બ્રિટનના વડાપ્રધાન બની ગયા. આમ, મેજરને લફરું ફળ્યું હતું!

જ્હોન પ્રોફ્યુમો

ઇંગ્લેન્ડ સેક્સ સ્કેન્ડલ માટે જૂનું અને જાણીતું બ્રાન્ડનેમ ધરાવે છે. ૧૯૬૩માં ઇંગ્લેન્ડમાં જ્હોન પ્રોફ્યુમો નામના સંરક્ષણ મંત્રી હતા. તેઓ હેરોલ્ડ મેકમિલન નામના વડાપ્રધાનની કેબિનેટના સભ્ય હતા. જ્હોન વેલેરી નામની ખૂબસૂરત અભિનેત્રી સાથે પરણેલા હતા. જ્હોન ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર હોવાને કારણે ઘણી સંવેદનશીલ માહિતી ધરાવતા હતા. વળી એ વખતે રશિયા ઘણું શક્તિશાળી હતું. જ્હોન એ જમાનાની મશહૂર કોલગર્લ ક્રિસ્ટાઇન કિલર સાથે સૂતેલા પકડાઈ ગયા હતા અને વાત બહાર આવી ગઈ હતી. મોટામાં મોટી સમસ્યા એ હતી કે ક્રિસ્ટાઈન કિલરને લંડન ખાતેની રશિયન એલચી કચેરીના એક રશિયન અધિકારી તથા બીજા એક ડ્રગ ડીલર સાથે પણ આડા સંબંધો હતા. આખું પ્રેમપ્રકરણ બહાર આવી જતાં જ્હોન પ્રોફ્યુમોએ ઇંગ્લેન્ડના ડિફેન્સ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દેવું પડયું હતું. શંકા એવી હતી કે રશિયા ક્રિસ્ટાઈન કિલરને જ્હોન સાથે સુવરાવીને ઇંગ્લેન્ડનાં ન્યૂક્લિઅર સિક્રેટની માહિતી કઢાવી રહ્યું હતું. ક્રિસ્ટાઈન કિલર અને જ્હોન લોર્ડ એસ્ટર નામના એક રાજકારણીના ભવ્ય નિવાસસ્થાનમાં મજા માણતાં હતાં. આ નિવાસસ્થાનમાં એક સ્વિમિંગ પુલ હતો અને તેમાં જ્હોન એકલા જ નહીં પણ પાકિસ્તાનના પૂર્વ ફીલ્ડમાર્શલ ઐયુબ ખાને પણ નગ્ન સ્ત્રીઓ સાથે છબછબિયાં કર્યા હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણ બહાર આવ્યા બાદ આખી મેકમિલન સરકારે રાજીનામું આપી દેવું પડયું હતું.

પામેલા સિંહ

આવો જ ખળભળાટ પામેલા સિંહે મચાવ્યો હતો. પામેલા ૧૮૮૮-૮૯ દરમિયાન ભારતમાં મિસ ઇન્ડિયા બની હતી. તે પછી તે ઇંગ્લેન્ડ ગઈ હતી. ત્યાં તે પામેલા બોર્ડેસ તરીકે જાણીતી હતી. એ વખતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કોલિન મોઈની હાન પાસેથી કેટલીક ફેવર મેળવી હતી. તેણે અખબારોના કેટલાક તંત્રીઓ પર પણ નજર માંડી હતી. તે ફ્રીલાન્સ કોલગર્લ તરીકે કામ કરતી હતી. તે એક રાતના ૫૦૦ પાઉન્ડ લેતી હતી.હમણાં હમણાં જ ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ નામના અખબારના તંત્રી રેબેકાના કેટલાક પોલિટિશિયનો સાથેના સંબંધો ચર્ચામાં આવી જતાં ઈંગ્લેન્ડની હાલની આખી સરકાર ધ્રૂજી ગઈ હતી.

જ્હોન ટેરી અને બીજા

ઈંગ્લેન્ડનો જાણીતો ફૂટબોલ કેપ્ટન જ્હોન ટેરી પણ જાણીતી મોડલ વનેસા પેરોન્સેલ સાથે આડા સંબંધો ધરાવતો હોવાની વાત બહાર આવી હતી. એ જ રીતે ૨૦૦૪માં ફારિયા આલમ નામની એક બંગલાદેશી યુવતી કે જે યુકે ફૂટબોલ એસોસિયેશનની સેક્રેટરી હતી. ફારિયા તેના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક પોલઓઈ અને તે પછી ઇંગ્લેન્ડના ફૂટબોલ મેનેજર સ્વેન ગોરાન એરિક્સન સાથે રાત ગાળી હતી. આ આખીયે ઘટના રૂપિયા ૨,૫૦,૦૦૦ પાઉન્ડમાં પબ્લિશ કરવા માટે ફારિયાએ એક પીઆર(પબ્લિક રીલેશન) એજન્સીને વેચી હતી.

હવે છેલ્લે છેલ્લે અમેરિકાની સીઆઈએના ડાયરેક્ટર ડેવિડ પેટ્રીયાસ આવા જ એકસ્ટ્રા મેરિટલ એફેરમાં ફસાયા છે. આ ઘટના ઈંગ્લેન્ડમાં બની હોત તો ડેવિડ પેટ્રીયાસની પ્રેયસી પાઉલા બ્રેડવેલ તેની સ્ટોરી કદાચ ‘કિસ એન્ડ ટેલ’ના નામે લાખો પાઉન્ડમાં વેચી શકી હોત પણ પાઉલા બ્રેડવેલ ડેવિડને સાચુકલો પ્રેમ કરે છે તેથી તે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. પાઉલા પ્રોફેશનલ નહીં પરંતુ સાચુકલી પ્રણયભગ્ન છે.

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén